Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 37

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ :
વગેરેનું જ્ઞાન તેમને છે. મહાનબુદ્ધિના ધારક આવા પુરુષ આ કાળ વિષે હોવા દુર્લભ છે.
પ્રતિષ્ઠા મહોત્સવની નિમંત્રણ–પત્રિકામાં થયેલ આ ઉલ્લેખ ઉપરથી ખ્યાલમાં આવશે કે
જૈનસમાજમાં પંડિતજીનું સ્થાન કેટલું મહત્ત્વનું હતું, ને જયપુરનો જૈનસમાજ તેમનાથી
કેટલું ગૌરવ અનુભવતો હતો.
અત્યારની માફક ઝડપી પ્રવાસનાં કે સન્દેશવ્યવહારનાં સાધનો તે જમાનામાં ન
હતાં; એવા એ સાધનહીન કાળમાં પણ દક્ષિણદેશના ધવલાદિ સિદ્ધાંત ગ્રંથોના ઉદ્ધારની
યોજના પં. શ્રી ટોડરમલ્લજીએ બનાવી હતી અને જયપુરથી કેટલાક ભાઈઓને ત્યાં
મોકલ્યા હતા; તેમાં બે હજાર રૂપીઆ ખર્ચ કર્યા અને એ કાર્યમાં પાંચ વર્ષ લાગ્યા;
તેમાંથી એક વ્યક્તિનું તો ત્યાં જ (દક્ષિણમાં) મૃત્યુ થયું; પણ તેમાં સફળતા ન મળી.
છતાં પણ શ્રુતની તીવ્ર ભક્તિથી પ્રયત્ન ચાલુ રાખ્યો. જો નાની વયે તેમનું અકાળ
અવસાન થયું ન હોત તો જરૂર તેમના સમયમાં જ તે ષટ્ખંડાગમ આદિ ગ્રંથો જયપુર
આવી ગયા હોત. તોપણ કર્ણાટકલિપિમાં તે ગ્રંથ આવ્યા, તેને તેઓ પઢવા લાગ્યા અને
તેની લિપિ લખવા લાગ્યા,– એ કેટલી આશ્ચર્યની વાત છે.
ઉપરોક્ત ગોમ્મટસારાદિ ગ્રંથોની ટીકા પછી તેમણે આત્માનુશાસનની તથા પુરુષાર્થ–
સિદ્ધિ ઉપાયની હિન્દી ટીકા (જયપુરી ઢૂંઢારી ભાષામાં) લખી, તેમજ ‘મોક્ષમાર્ગ પ્રકાશક’
જેવા સર્વોપયોગી મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી. આ રીતે શ્રીમાન પંડિતજીએ મોક્ષમાર્ગ–
પ્રકાશક–ગ્રંથ વગેરે દ્વારા શુદ્ધ જૈનમાર્ગનો પ્રકાશ કર્યો, અને શિથિલાચાર પાખંડ તથા
અસત્યમાર્ગનો નિષેધ કરીને જે મહાન ક્રાન્તિ કરી, તે સહન નહિ થવાથી કેટલાક વિદ્વેષી–
વિધર્મીઓએ ષડ્યંત્રદ્વારા મોટો અત્યાચાર કરેલો, એટલું જ નહિ, પંડિતજી ઉપર ખોટા
આક્ષેપ મુકીને છળકપટદ્વારા રાજાને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા, જેના પરિણામે તેમને હાથીના પગ
નીચે કચડાવીને મારી નાંખવામાં આવ્યા. (સં. ૧૮૨૪ના કારતક સુદ ૭ એ તેમનો દેહાંત
દિવસ ગણાય છે) તે વખતે તેમની વય માત્ર ૨૭ વર્ષની હતી. જૈનગગનનો એક ઝળકતો
સીતારો પૂર્ણપણે ઝળકે ત્યાર પહેલાં જ અસ્તંગત થઈ ગયો. છતાં આટલા ટૂંક આયુમાં તેમણે
જૈન સાહિત્યની મહત્વપૂર્ણ રચનાઓ દ્વારા શ્રુતદેવીમાતાની અને જૈનસમાજની ઘણી કિંમતી
સેવા કરી છે. જયપુરમાં તેમની શાસ્ત્રસભામાં ૮૦૦ જેટલા તત્ત્વરસિક શ્રોતાઓ થતા;
ગોમ્મટસાર વગેરે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ થયો હતો તથા મહિલાઓ પણ તત્ત્વચર્ચામાં રસ
લેવા લાગી હતી. હાલમાં જયપુરમાં ગોદીકાપરિવાર તરફથી ‘શ્રી ટોડરમલ્લજી–સ્મારક
ભવન’ થઈ રહ્યું છે ને તે ભવનદ્વારા આધ્યાત્મિક સાહિત્યના પ્રચારનું ધ્યેય અપનાવવામાં
આવ્યું છે, એ હર્ષની વાત છે. આવા અધ્યાત્મરસિક મહાન શ્રુતોપાસક અધ્યાત્મરસિક
શ્રીમાન પં. શ્રી ટોડરમલ્લજી સંબંધી કેટલોક પરિચય આપણે અહીં કર્યો; એવા જ બીજા એક
અધ્યાત્મરસિક વિદ્વાન પં. શ્રી બનારસીદાસજીનો પરિચય આગામી અંકમાં કરીશું.