Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 37

background image
: : આત્મધર્મ : શ્રાવણ :
મોક્ષ અને મોક્ષનું કારણ–એ બંને
શુદ્ધ આત્માની ઉપાસનાથી જ થાય છે
(કલશટીકા–પ્રવચન)
હે મોક્ષાર્થી! મોક્ષને અર્થે તું તારા શુદ્ધાત્માની જ ઉપાસના કર,
એટલે કે તેનો જ અનુભવ કર. જેમ મોક્ષ રાગરહિત છે તેમ તેનો માર્ગ
પણ રાગરહિત છે, તેમાં રાગનો કે પરનો સહારો જરા પણ નથી.
શુદ્ધઆત્માને જે નથી જાણતો તે મોક્ષને પણ ખરેખર ઓળખતો નથી.
શુદ્ધઆત્માને અનુભવમાં જે ઉપાદેય જાણે છે તેણે જ ખરેખર મોક્ષને
ઉપાદેય કર્યો છે, કેમકે મોક્ષ અને મોક્ષનો માર્ગ તો શુદ્ધાત્માના સેવનમાં
જ છે.–એ વાત સમજાવે છે:–
एव ज्ञानघनो नित्यधात्मा सिद्धिमभीप्सुभिः।
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम्।।
પ્રથમ તો મોક્ષાર્થીજીવની વાત છે; જે મોક્ષાર્થી છે તેણે શું કરવું મોક્ષ જ જેને પ્રિય
છે, મોક્ષ જ જેને ઉપાદેય છે એવા જીવને પોતાનું શુદ્ધ ચૈતન્યદ્રવ્ય જ સદા અનુભવવા
યોગ્ય છે, તે જ સર્વ પ્રકારે ઉપાસવાયોગ્ય ને સેવવાયોગ્ય છે. શુદ્ધ આત્માના અનુભવથી
મોક્ષ થાય છે. તેમાં કોઈ બીજાનો સહારો નથી. શુદ્ધાત્માને જે ઉપાદેય કરે તેને જ મોક્ષ
ઉપાદેય થાય છે, શુદ્ધ જ્ઞાનપુંજ આત્માને જે નથી ઓળખતો તે શુદ્ધદશારૂપ મોક્ષને પણ
ખરેખર નથી ઓળખતો. મોક્ષમાર્ગને ઉપાસવો હોય તો હે જીવો! શુદ્ધ આત્માની સમ્યક્
ઉપાસના કરો. તેની ઉપાસનાથી સાધકપણું અને સિદ્ધપણું થાય છે.
રાગરહિત એવી જે મોક્ષદશા, તે રાગના સેવન વડે કેમ થાય? રાગને જે
મોક્ષદશાનું સાધન માને છે તેણે રાગરહિત મોક્ષદશાને ઓળખી નથી. મોક્ષ રાગરહિત છે
તો તેનું સાધન પણ રાગરહિત જ હોય; આત્માનો જે શુદ્ધસ્વભાવ તેની રાગરહિત
ઉપાસના તે જ મોક્ષનું સાધન છે. મોક્ષ તે રાગરહિત શુદ્ધદશા, ને તેનું સાધન પણ
રાગરહિત શુદ્ધદશા, એ બંને દશા શુદ્ધ આત્મસ્વભાવને ઉપાદેય કરીને તેને ઉપાસવાથી
જ થાય છે. આ રીતે આત્મા પોતે પોતામાં જ સાધક ને સાધ્ય ભાવરૂપે પરિણમે છે,
તેથી મોક્ષને માટે બીજા કોઈ દ્રવ્યનો સહારો નથી; શુદ્ધાત્માનો અનુભવ કરતાં મોક્ષમાર્ગ
અને મોક્ષ થઈ જાય છે.