Atmadharma magazine - Ank 263
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 45

background image
: ભાદરવો : આત્મધર્મ : પ :
મોહ જલ્દી તૂટે–એવો ઉપદેશ
પોતાના શુદ્ધઆત્માને જાણીને મોહ કેમ તૂટે–એવી જેની જિજ્ઞાસા છે ને બીજી
અપ્રયોજનભૂત બાબતોમાં જેનું લક્ષ નથી એવા શિષ્યને શુદ્ધતત્ત્વનો ઉપદેશ આપે છે.
(પરમાત્મપ્રકાશ–પ્રવચન)
હે પ્રભાકર ભટ્ટ! એટલે કે હે મુમુક્ષુ! જેવા અનંત ચતુષ્ટયસ્વરૂપ પરમાત્મા છે
તેવો જ હું છું–એમ નિશ્ચય કરીને, તું બધા વિકલ્પો છોડીને કેવળ પરમાત્માનું જ ધ્યાન
કર. નિઃસન્દેહ થઈને, સ્વદેહમાં જ શુદ્ધઆત્મા વસે છે–તેનો નિશ્ચય કરીને, તેનું ધ્યાન
કર.–એથી શીઘ્ર તારો મોહ તૂટશે. ને પરમ આનંદ તારામાં જ અનુભવાશે.
તારી કેવળજ્ઞાનાદિ પર્યાયોનો સંબંધ તારા ગુણોની જ સાથે છે, પરની સાથે
તારી પર્યાયનો સંબંધ નથી. જો તારી પર્યાયનો સંબંધ પર સાથે હોય તો ગુણ–ગુણીની
એકતા તૂટી જાય. પણ ગુણ–ગુણીની એકતા કદી તૂટે નહિ. જેમ આત્માના ગુણો પરના
આશ્રયે કદી ન હોય, તેમ ગુણની પર્યાય પણ પરના આશ્રયે કદી ન હોય, એવો સ્વભાવ
છે. ‘કારણસમયસાર’ એટલે રત્નત્રયસ્વરૂપ જે શુદ્ધઆત્મા તેની ભાવના કરવાથી જ
કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ કાર્યસમયસાર પ્રગટે છે.
અહા, અંતરમાં જ પરમાત્મવસ્તુ પડી છે. પણ જીવે કદી અંર્તદ્રષ્ટિ કરીને તેનું
ધ્યાન કર્યું નથી, પરભાવો વગરનું પોતાનું શુદ્ધતત્ત્વ કદી લક્ષમાં લીધું નથી. તેથી અહીં
તેનો ઉપદેશ આપે છે. શિષ્યે પૂછયું હતું કે હે સ્વામી! મોહ શીઘ્ર તૂટે એવો ઉપદેશ મને
આપો. બીજાનું મારે કાંઈ પ્રયોજન નથી, મારા શુદ્ધઆત્માને હું જાણું ને મારો મોહ જલ્દી
તૂટે એવો ઉપદેશ મને આપો.
જુઓ, આ શિષ્યની જિજ્ઞાસાનો પ્રશ્ન! શુદ્ધઆત્માને જાણવા સિવાય બીજું
પ્રયોજન જેના ચિત્તમાં નથી, તેને અહીં સમજાવે છે કે જેવા પરમાત્મા સિદ્ધલોકમાં વસે
છે તેવો જ પરમાત્મા અહીં આ દેહમાં વસે છે, જેવા પરમાત્મા છે તેવો જ પરમાર્થે હું છું,
એમ નિઃસન્દેહ નિશ્ચય કરીને હે જીવ! તારા આત્માને તું ધ્યાવ. પર સાથે સંબંધ છોડ ને
સ્વ સાથે સંબંધ કર, એટલે કે પરિણતિને અંતરમાં વાળ; આ રીતે પરિણતિને અંતરમાં
વાળતાં જ તારો મોહ તૂટી જશે, ને પરમ આનંદમય આત્મા તારામાં જ તને દેખાશે.
અહીં કહે છે કે શુદ્ધ પરિણતિથી અભેદ એવા શુદ્ધઆત્માની નિરન્તર ભાવના
કરવા જેવી છે. પરભાવની ભાવના એક ક્ષણ પણ ન કર, પુણ્યની કે તેના ફળની
ભાવના એક ક્ષણ પણ ન કર, શુદ્ધ આત્માની ભાવના નિરંતર કર. ‘જેવી ભાવના તેવું
ભવન’ એટલે શુદ્ધાત્માની ભાવનાથી શુદ્ધતારૂપ પરિણમન થાય છે.