: ૬ : આત્મધર્મ : ભાદરવો :
ભાવના એટલે શું? ભાવના એટલે વિકલ્પ નહિ, પણ તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન ને
તેમાં લીનતાનો ફરી ફરી અભ્યાસ તેનું નામ ભાવના છે. શુદ્ધઆત્માની ભાવના જેને
નિરન્તર હોય તેની પરિણતિ તેમાં વળ્યા વગર રહે નહિ.
અરે પ્રભુ! તારામાં અપાર તાકાત ભરી છે, તેનો હકાર લાવીને પુરુષાર્થને
ઊછાળ. તારી ચૈતન્યશક્તિના એક ટંકારે મોહનો નાશ થઈ જાય એવી તારી તાકાત છે.
તારી સ્વશક્તિનો ભરોસો કર, ને તેમાં ઉપયોગની એકાગ્રતા કર.–એમાં તારે કોઈ
બીજાની અપેક્ષાનથી.
રે જીવ! આ કાયા અશુદ્ધ–મલિન છે પણ અંદર રહેલો આત્મા અશુદ્ધ નથી, તે
તો પવિત્ર જ્ઞાન–દર્શનનો પૂંજ છે. જેમ રંગીન વસ્ત્ર પહેરવાથી માણસ કાંઈ તેવો થઈ
જતો નથી. તેમ દેહની મલિનતાથી આત્મા કાંઈ મલિન થઈ ગયો નથી. વસ્ત્ર ફાટતાં
માણસ કાંઈ મરી જતો નથી તેમ દેહરૂપી વસ્ત્ર નષ્ટ થતાં આત્મા કાંઈ નષ્ટ થતો નથી.–
આમ વિચારીને હે જીવ! દેહાદિથી ભિન્ન આત્માને જાણ. અહા, આમાં મહાન પ્રયત્ન છે.
અહા, જે બુદ્ધિ અંતરમાં વળીને આખા ચૈતન્યપહાડને ધારણ કરે–એની
તાકાતની શી વાત? જેમ કુંદકુંદસ્વામીની અપાર તાકાત માટે જયસેનાચાર્ય કહે છે કે–
जयउ रिसि पउमणंदी जेण महातच्चपाहुडसेलो
बुद्धि सिरेणद्धरिओ समप्पिओ भव्वलोयस्स।।
તે ઋષિ પદ્મનંદીનો જય હો–કે જેમણે મહાતત્ત્વથી ભરેલ પ્રાભૃતરૂપી પર્વત
બુદ્ધિરૂપી શિર વડે ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે.
તેમ અંતરમાં અનંત ચૈતન્યશક્તિથી ભરેલો જે શુદ્ધાત્મારૂપી મોટો પર્વત, તેને
અંતર્મુખ થઈને જે જ્ઞાને અનુભવમાં લીધો તે જ્ઞાનના મહિમાની શી વાત? તે જ્ઞાનના
સામર્થ્ય પાસે મોહ ટકી શકે નહિ. આવું અનુભવજ્ઞાન ચોથા ગુણસ્થાનેથી હોય છે. એના
વગર મોક્ષમાર્ગ શરૂ થતો નથી.
આત્મા અને દેહ અત્યંત જુદા છે. દેહ અને દેહની ક્રિયાઓ સદાય અજીવ જ છે,
તેમાં કદી જીવનો ધર્મ નથી, તેમજ તે જીવના ધર્મનું કારણ પણ થતું નથી. જીવના બધા
ધર્મો જીવમાં છે, જીવનો કોઈ ધર્મ અજીવમાં નથી. માટે હે જીવ! દેહના સંબંધને તું તારો
ન દેખ, તારા આત્માને દેહથી ભિન્ન જ દેખ.
દેહથી આત્માની ભિન્નતાનું ભાન ક્્યારે થાય? કે જ્ઞાનને અંતરમાં વાળીને
જ્યારે અતીન્દ્રિય ચૈતન્યનો સ્પર્શ કરે ત્યારે દેહાદિમાં એકત્વબુદ્ધિ છૂટે, ને ત્યારે જ
ખરેખર દેહથી ભિન્ન આત્માને જાણ્યો કહેવાય. શ્વાસ લેવાય, વચન બોલાય એ બધી
ક્રિયાઓ દેહ સાથે સંબંધવાળી છે, તેને જે પોતાની માને છે તે દેહને જ આત્મા માને છે.
અરે, અતીન્દ્રિય ચૈતન્યવસ્તુ એ કાંઈ ઈન્દ્રિયજ્ઞાનનો વિષય થાય તેવી નથી. આત્માની
ક્રિયા કઈ? જ્ઞાન– ક્રિયા તે આત્માની ક્રિયા છે. આવી ક્રિયા વડે જે આત્માને દેહભિન્ન
અનુભવે છે તે જ સર્વજ્ઞપરમાત્માની પરમાર્થસ્તુતિ કરી શકે છે.