: આસો : આત્મધર્મ : ૯ :
ચોથા ગુણસ્થાને વિશેષ–વિશેષકાળનાં અંતરે કોઈ કોઈવાર આવો અનુભવ થાય છે.
પહેલી વાર જ્યારે ચોથું ગુણસ્થાન પ્રગટ્યું ત્યારે તો નિર્વિકલ્પઅનુભવ થયો જ હતો,
પણ પછી ફરીને એવો અનુભવ અમુક વિશેષકાળના અંતરે થાય છે ને પછી ઉપર–
ઉપરના ગુણસ્થાને તેવો અનુભવ વારંવાર થાય છે. પાંચમા ગુણસ્થાને ચોથા કરતાં
અલ્પ અલ્પકાળના અંતરે અનુભવ થાય છે; (ચોથા ગુણસ્થાનવાળા કોઈ જીવને
કોઈકવાર તુરત જ એવો અનુભવ થાય તે જુદી વાત છે.) અને છઠ્ઠા–સાતમા
ગુણસ્થાનવર્તી મુનિને તો વારંવાર અંતર્મુહૂર્તમાં જ નિયમથી વિકલ્પ તૂટીને સ્વાનુભવ
થયા જ કરે છે. સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલા અંતરે સ્વાનુભવ થાય–
એ સંબંધી કોઈ ચોક્કસ માપ જાણવામાં આવતું નથી છઠ્ઠાસાતમા ગુણસ્થાનવર્તી મુનિને
માટે તો નિયમ છે કે અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ; નહિતર મુનિદશા જ ન
ટકે. મુનિદશામાં કદી એમ ન બને કે લાંબા કાળસુધી નિર્વિકલ્પઅનુભવ ન આવે ને
બાહ્યપ્રવૃત્તિમાં (સવિકલ્પદશામાં) જ રહ્યા કરે. ત્યાં તો અંતર્મુહૂર્તમાં નિયમથી
નિર્વિકલ્પધ્યાન થાય જ છે. મુનિદશામાં કોઈ જીવ ભલે લાખો–કરોડો વર્ષો રહે અને તે
દરમિયાન છઠ્ઠું–સાતમું ગુણસ્થાન વારંવાર અંતર્મુહૂર્તમાં આવ્યા કરે, એ રીતે
સમુચ્ચયપણે તેને છઠ્ઠા ગુણસ્થાનનો કાળ ભલે લાખો–કરોડો વર્ષો થઈ જાય, પણ
એકસાથે અંતર્મુહૂર્તથી વિશેષ કાળ છઠ્ઠું ગુણસ્થાન રહી શકે જ નહીં. છઠ્ઠા ગુણસ્થાનનો
કાળ જ અતર્મુહૂર્તથી વધુ નથી, પછી લાંબો વખત ઊંઘવાની તો વાત જ શી? ભગવાને
છઠ્ઠા ગુણસ્થાનનો જે ઉત્કૃષ્ટકાળ કહ્યો છે તે ઉત્કૃષ્ટકાળ પણ એવા જીવને જ હોય છે કે
જે ત્યાંથી પાછો મિથ્યાત્વમાં જવાનો હોય. બીજા જીવોને એવો ઉત્કૃષ્ટકાળ હોતો નથી,
તેને તો તેથી ઓછા કાળમાં વિકલ્પ તૂટીને સાતમું ગુણસ્થાન આવી જાય છે. મુનિઓ
વારંવાર નિર્વિકલ્પરસ પીએ છે.
અહો, નિર્વિકલ્પતા તે તો અમૃત છે.
બધા મુનિઓને સવિકલ્પ વખતે છઠ્ઠું ને ક્ષણમાં નિર્વિકલ્પધ્યાન થતાં સાતમું
ગુણસ્થાન થાય છે. જેમ સમ્યગ્દર્શન નિર્વિકલ્પ–સ્વાનુભવપૂર્વક પ્રગટે છે તેમ મુનિદશા
પણ નિર્વિકલ્પધ્યાનમાં જ પ્રગટે છે,–પહેલાં ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટે ને પછી
વિકલ્પ ઊઠતાં છઠ્ઠે આવે. મુનિને તો વારંવાર નિર્વિકલ્પધ્યાન થાય છે. એ તો
કેવળજ્ઞાનના એકદમ નજીકના પાડોશી છે. અહા, વારંવાર શુદ્ધોપયોગના આનંદમાં
ઝૂલતા એ મુનિની અંર્તદશાની શી વાત! અરે, સમ્યગ્દ્રષ્ટિ–શ્રાવકને પણ ધ્યાન વખતે
તો મુનિ જેવો ગણ્યો છે. હું શ્રાવક છું કે મુનિ છું–એવો કોઈ વિકલ્પ જ એને નથી, એને
તો ધ્યાન વખતે આનંદના વેદનમાં જ લીનતા છે. ચોથા ગુણસ્થાને આવો અનુભવ
કોઈકવાર થાય છે, પછી જેમ જેમ ભૂમિકા વધતી જાય છે. તેમ તેમ કાળ અપેક્ષાએ
વારંવાર થાય છે ને ભાવ અપેક્ષાએ લીનતા વધતી જાય છે.