પોતાથી પરિપૂર્ણ જાણીને તે તરફ વળ્યો ત્યાં જગતના સમસ્ત અન્ય પદાર્થો પ્રત્યે સાચી
ઉદાસીનતા થઈ.
स्वसंवेदनज्ञानेन स्वसंवेद्यो गम्यो प्राप्योऽहं।
વીતરાગ સહજ આનંદરૂપ સુખઅનુભૂતિમાત્ર લક્ષણથી એટલે કે સ્વસંવેદનજ્ઞાનથી
સ્વસંવેદ્ય ગમ્ય ને પ્રાપ્ત થાઉં એવો હું છું, જુઓ, સ્વરૂપ કેવું છે ને તેની પ્રાપ્તિ કેમ થાય–
અનુભવ કેમ થાય, એ બંને વાત ભેગી બતાવે છે. નિશ્ચય રત્નત્રયવડે મારી પ્રાપ્તિ થાય
છે, રાગરૂપ કે વિકલ્પરૂપ વ્યવહાર રત્નત્રયવડે મારી પ્રાપ્તિ થતી નથી. સ્વસંવેદનજ્ઞાનથી
જ અનુભવમાં આવું એવો હું છું; સ્વસંવેદનજ્ઞાન રાગ વગરનું વીતરાગ સહજ આનંદના
અનુભવરૂપ છે. આવા અનુભવ વગર બીજા ઉપાયથી શુદ્ધાત્માની પ્રાપ્તિ કે સમ્યક્ત્વાદિ
થાય નહિ.
અનુભૂતિ વગર તો જિનબિંબદર્શન વગેરે સમ્યક્ત્વના બાહ્યકારણ પણ થતાં નથી.
આત્માનું જ્ઞાન અને આત્માની અનુભૂતિ પરમ આનંદરૂપ છે, તે રાગરૂપ નથી કે
રાગવડે થતી નથી; સ્વસંવેદનરૂપ સ્વાનુભૂતિથી જ આત્મસ્વભાવ અનુભવમાં આવે છે.
આ સિવાય બીજા કોઈની તેમાં અપેક્ષા નથી.
સ્વાનુભૂતિથી જ આત્મા જણાય છે–વેદાય છે ને પમાય છે, બીજા ઉપાયથી આત્મા
જણાતો નથી, વેદાતો નથી કે પમાતો નથી. અનુભૂતિરૂપ મારી નિર્મળ પર્યાયવડે જ હું
મને વેદાઉં છું, મારી પર્યાયવડે જ હું મને જણાઉં છું; આત્મા તરફ ઢળેલી નિર્મળપર્યાયમાં
જ આત્માની પ્રાપ્તિ થાય છે. પર તરફ ઢળતી પર્યાયમાં આત્માની પ્રાપ્તિ કે અનુભૂતિ
થતી નથી. આવું નિજ સ્વરૂપ વિચારીને વારંવાર તેની ભાવના કરવી.
આમ સ્વભાવથી પરિપૂર્ણતારૂપ અસ્તિ બતાવીને હવે પરભાવથી શૂન્યતારૂપ નાસ્તિ
બતાવે છે.