: આસો : આત્મધર્મ : ૧૭ :
“रागद्वेषमोहक्रोधमानमायालोभ–पंचेन्द्रियविषयव्यापार–मनोवचनकायव्यापार
–भावकर्म–द्रव्यकर्म–नोकर्म–ख्यातिपूजालाभ–द्रष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदान–
मायामिथ्यात्वशल्यत्रय–आदि सर्वविभाव परिणामरहित शून्योऽहं” એટલે કે હું
રાગદ્વેષમોહ–ક્રોધમાનમાયાલોભથી રહિત, પાંચ ઈન્દ્રિયના વિષયવ્યાપારથી રહિત,
મનવચનકાયાના વ્યાપારથી રહિત, ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મથી રહિત, ખ્યાતિ–
પૂજાલાભની કે દ્રષ્ટશ્રુતઅનુભૂત ભોગની આકાંક્ષારૂપ નિદાનશલ્ય–માયાશલ્ય તથા
મિથ્યાત્વશલ્ય– એ ત્રણે શલ્યથી રહિત–ઈત્યાદિ બધા વિભાવપરિણામરહિત હોવાથી
શૂન્ય છું.
મારું સ્વરૂપ સમસ્ત વિભાવપરિણામોથી રહિત છે; હું સ્વભાવથી ભરેલો ને
વિભાવોથી શૂન્ય એટલે કે ખાલી છું. રાગ–દ્વેષ–ક્રોધ–માન–માયા–લોભાદિ સમસ્ત
પરભાવોથી રહિત, મારા સહજ સ્વભાવથી જ હું ભરેલો છું. આવા સ્વભાવની ભાવના
સિવાય બીજા કોઈની ભાવના મને નથી, એટલે હું સમસ્ત વિષયોની અભિલાષાથી
રહિત છું. સ્વાનુભૂતિગમ્ય મારા શુદ્ધસ્વરૂપમાં પરભાવ છે જ નહિ. મારું અને જગતના
બધા જીવોનું આવું જ શુદ્ધસ્વરૂપ છે. આવી ભાવના નિરંતર કરવી.
અહીં ભાવના એટલે માત્ર વિચાર કે વિકલ્પની વાત નથી પણ જ્ઞાનને વારંવાર
સ્વભાવ તરફ વાળવું તેનું નામ ભાવના છે. ‘હું આવો છું ને આવો નથી’ એમ માત્ર
વિકલ્પની વાત નથી પણ અંતરમાં સ્વભાવ તરફની તેવી રુચિ ને પરિણતિ થાય તે
સાચી ભાવના છે. ભાવના અનુસાર ભવન એટલે શુદ્ધ સ્વભાવની રુચિનું વારંવાર
ઘોલન કરતાં તેવું શુદ્ધ પરિણમન થાય છે, ને પરમાત્મદશા ખીલે છે, તે ભાવનાનું ફળ
છે. અહા! આવી પરમાત્મ–ભાવના એ જ પરમ સુખદાતાર છે, તે આનંદરૂપ છે, તેમાં
પરમ સમાધિ ને શાંતિ છે, તેમાં આકુળતા નથી, કલેશ નથી. આવી આનંદદાયી
પરમાત્મભાવના કોણ ન ભાવે!
સમ્યગ્દર્શન પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
સમ્યગ્જ્ઞાન પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
સમ્યક્ચારિત્ર પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
વીતરાગતા પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
કેવળજ્ઞાન પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
મોક્ષદશા પણ આવી આત્મભાવનાથી જ થાય છે.
આવી શુદ્ધ આત્મભાવના તે ધર્મ છે.
આવી શુદ્ધ આત્મભાવનામાં પરમ આનંદ છે.