Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 37

background image
અરે, તારું તત્ત્વ શુદ્ધ ચૈતન્યમય, નિર્વિકલ્પ, તેમાં વિકલ્પનો કે શબ્દનો
પ્રવેશ ક્્યાં છે? આત્મા તો સ્વાનુભૂતિમાં ગમ્ય છે. અંતર્મુખ નિર્મળધ્યાનનો વિષય
આત્મા છે. અંતર્મુખ ઉપયોગમાં આત્મા પ્રગટે છે. ઈન્દ્રિય કે મનનો વિષય તે થાય
નહિ. માટે હે શિષ્ય! આવા ઈન્દ્રિયાતિત આત્માને સ્વાનુભવમાં લઈને તેને જ
ઉપાદેય જાણ. આત્માના અનુભવ વગરનાં શાસ્ત્રભણતર કે પંડિતાઈ–એ કાંઈ
મોક્ષનું કારણ થતું નથી. શાસ્ત્રોની પંડિતાઈ જુદી ચીજ છે ને અનુભૂતિગમ્ય
પરમતત્ત્વ એ જુદી ચીજ છે.
સ્વાનુભૂતિગમ્ય તારા પરમાત્મતત્ત્વને તું વાણીના વિલાસથી કે વિકલ્પના
વિસ્તારથી લક્ષમાં લેવા માંગીશ તો એ તત્ત્વ એમ લક્ષમાં નહિ આવે આ
પરમતત્ત્વ એવું તૂચ્છ નથી કે વિકલ્પ વડે ગમ્ય થઈ જાય. વિકલ્પ વડે કે વાણી
તરફના વલણથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે એમ જે માને તેણે વિકલ્પથી ને
વાણીથી પાર એવા આત્મતત્ત્વના અચિંત્ય–પરમ મહિમાને જાણ્યો નથી.
પરમાત્મતત્ત્વ અંતરમાં છે, તે પરમાત્મતત્ત્વનો પ્રકાશ તો સ્વાનુભૂતિ વડે જ
થાય છે. વાણી તો જડ છે ને વિકલ્પ તો અંધકાર છે, તેમાં પરમાત્મતત્ત્વનો પ્રકાશ
નથી. માટે હે જીવ! તું બહિરાત્મપણું છોડી, અંતરાત્મપણું પ્રગટ કરી
પરમાત્મસ્વરૂપને ધ્યાનમાં લે. પરવસ્તુ સામે જોયે સ્વવસ્તુ અનુભવમાં નહિ આવે.
સમાધિમાં એટલે કે ઉપયોગની અંતર્મુખ એકાગ્રતામાં તો રાગરહિત પરમ શાંતિનું
વેદન છે. ઉદયભાવ વડે તારો પરમ સ્વભાવ અનુભવમાં નહિ આવે. તારો સ્વભાવ
ઉદયભાવથી તો દૂર–દૂર છે. સિદ્ધ ભગવંતોનું અતીન્દ્રિયસ્વરૂપ પણ રાગથી કે
પરસન્મુખી ક્ષયોપશમથી અર્થાત્ ઈન્દ્રિયજ્ઞાનથી ઓળખાતું નથી, તો તેમના જેવું
પોતાના આત્માનું સ્વરૂપ છે તે પણ ઈન્દ્રિયજ્ઞાનથી જણાતું નથી, પરાલંબી
ક્ષયોપશમજ્ઞાનથી પણ જણાતું નથી, તો પછી રાગાદિ ઉદયભાવથી તો તે કેમ
જણાય?
અરે, આત્માનું સ્વરૂપ સિદ્ધભગવાન જેવું પોતાથી પરિપૂર્ણ છે. શુદ્ધ આત્માના
ધ્યાન વડે જ આત્માની સિદ્ધિ થાય છે; એને જાણ્યા વગર લોકો અન્ય માર્ગમાં લાગેલા
છે, પુણ્યના ને પરાશ્રયના માર્ગમાં લાગ્યા છે, પણ તેમાં પરમતત્ત્વ પ્રાપ્ત થતું નથી.
પરમતત્ત્વ અંતરમાં છે, તેનો માર્ગ અંતરમાં છે. વિકલ્પમાં શોધ્યે તે નહિ મળે.
શાસ્ત્રોના શબ્દોથી આત્મા ન જણાય–એ વાત સાંભળતાં ઘણા ભડકે છે કે અરે!
શાસ્ત્રનો અનાદર થઈ જશે! ! પણ ભાઈ, શાસ્ત્રોએ જ કહ્યું તેનો સાચો આશય સમજવો
તેમાં જ શાસ્ત્રોનો આદર છે, ને તેનાથી વિપરીત માનવું તેમાં શાસ્ત્રોનો અનાદર છે.
શાસ્ત્રો કહે છે કે અમે પરાશ્રયથી લાભ થવાનું કહેતાં નથી; છતાં પરાશ્રયથી જે લાભ