: ૧૮ : આત્મધર્મ : કારતક :
અજ્ઞાની ઓળખતો નથી, તે તો એકલી દેહક્રિયાને જ દેખે છે. શુદ્ધસ્વરૂપની
સન્મુખતાથી જેટલી શુદ્ધપરિણતિ થઈ તેટલો તપ છે–એમ ધર્મી જાણે. આવો તપ
અજ્ઞાનીને હોતો નથી, તેમજ તેને તે ઓળખતો પણ નથી. તપ વગેરેનો શુભરાગ
તે બાહ્ય નિમિત્ત છે, અને દેહની ક્રિયા તો આત્માથી તદ્ન જુદી ચીજ છે, તેને બદલે
અજ્ઞાની તો એને જ મૂળવસ્તુ માની બેસે છે, ને સાચી મૂળવસ્તુને ભૂલી જાય છે.
શુભરાગ અને સાથે ભૂમિકાયોગ્ય શુદ્ધપરિણતિ તે જ્ઞાનીનો આચાર છે, તેનું નામ
મિશ્રવ્યવહાર છે. મિશ્ર એટલે કંઈક અશુદ્ધતા ને કંઈક શુદ્ધતા; તેમાં જે અશુદ્ધઅંશ
છે તે ધર્મીને આસ્રવ–બંધનું કારણ છે ને જે શુદ્ધઅંશ છે તે સંવર–નિર્જરાનું કારણ
છે. –આ રીતે આસ્રવ–બંધ ને સંવર–નિર્જરા એ ચારે ભાવો ધર્મીને એક સાથે વર્તે
છે. અજ્ઞાનીને મિશ્રભાવ નથી, એને તો એકલી અશુદ્ધતા છે; સર્વજ્ઞને મિશ્રભાવ
નથી, એમ ને એકલી શુદ્ધતા છે. મિશ્રભાવ સાધકદશામાં છે. તેમાં
શુદ્ધપરિણતિઅનુસાર તે મોક્ષમાર્ગને સાધે છે–એમ જાણવું.
અહા, ધર્માત્માની આ અધ્યાત્મકળા....અલૌકિક છે. આવી અધ્યાત્મકળા
શીખવા જેવી છે, ને એનો પ્રચાર કરવા જેવો છે. ખરૂં સુખ આ અધ્યાત્મકળાથી જ
પ્રાપ્ત થાય છે. અધ્યાત્મવિદ્યા સિવાય બીજી લૌકિકવિદ્યાઓની કિંમત ધર્મમાં કાંઈ
નથી. सा विद्या या विमुक्तये–આત્માને મોક્ષનું કારણ ન થાય એવી વિદ્યાને વિદ્યા
કોણ કહે? –વિદ્યાહીન હોય તે કહે!
જેણે અધ્યાત્મવિદ્યા જાણી છે એવા જ્ઞાનીને મિશ્રવ્યવહાર કહ્યો, એટલે
શુદ્ધતા ને અશુદ્ધતા બંને એકસાથે તેને છે, પણ તેથી કાંઈ તે શુદ્ધતા ને અશુદ્ધતા
એકબીજામાં ભળી જતા નથી. જે શુદ્ધતા છે તે કાંઈ અશુદ્ધતારૂપ થઈ જતી નથી, ને
જે અશુદ્ધતા (રાગાદિ) છે તે કાંઈ શુદ્ધતારૂપ થઈ જતી નથી. એક સાથે હોવા છતાં
બંનેની જુદી જુદી ધારા છે. આ રીતે ‘મિશ્ર’ એ બંનેનું જુદાપણું બતાવે છે,
એકપણું નહિ. તેમાંથી જે શુદ્ધતા છે તેના વડે ધર્મી જીવ મોક્ષમાર્ગને સાધે છે, ને જે
અશુદ્ધતા છે તેને તે હેય સમજે છે.
મંગલ ભાવના
આ આત્મા મોહબંધનમાં ક્્યાંય ન બંધાય....ને
ચૈતન્યપ્રેમના બળથી મોહબંધનની બેડી તોડીને મોક્ષપંથે દોડે
એવી મંગલ ભાવના અને મંગલપ્રાર્થના પૂર્વક દેવ–ગુરુની
મંગલછાયામાં નૂતનવર્ષનો મંગલપ્રારંભ થાય છે.....