Atmadharma magazine - Ank 265
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 37

background image
: ૨૪ : આત્મધર્મ : કારતક :
ધર્મના આરાધક સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા
સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગમાં એકલો પણ શોભે છે. હે
જીવ! સમ્યક્ત્વની દ્રઢતાવડે એકલો એકલો મોક્ષમાર્ગે ચાલ્યો
જા...જગતમાં કોઈનો સાથ ન હોય તોપણ સર્વજ્ઞભગવાન
તારા સાથીદાર છે.
(ગતાંકના મુખપુષ્ઠમાં જેનો ઉલ્લેખ હતો તે આ પ્રવચન છે: પૂ. ગુરુદેવ આ
પ્રવચનમાં સમ્યક્ત્વની વિરલતા બતાવીને, ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ તેની
આરાધનાની દ્રઢતાનો ઉપદેશ આપે છે, ને સમ્યક્ત્વની આરાધનાનો ઉત્સાહ
જગાડે છે...એ ઝીલીને સમ્યક્ત્વની આરાધનામાં કટિબદ્ધ થઈએ.)
આ જગતમાં અત્યંત પ્રીતિપૂર્વક જે જીવ પવિત્ર જૈનદર્શનમાં સ્થિતિ કરે છે
અર્થાત્ શુદ્ધ સમ્યગ્દર્શનને નિશ્ચલપણે આરાધે છે તે જીવ ભલે એક જ હોય ને
કદાચ પૂર્વકર્મોદયથી દુઃખિત હોય તોપણ તે પ્રશંસનીય છે, કેમકે સમ્યગ્દર્શનવડે
પરમ આનંદદાયક એવા અમૃતમાર્ગમાં તે સ્થિત છે. અને અમૃતમય મોક્ષમાર્ગથી જે
ભ્રષ્ટ છે ને મિથ્યામાર્ગમાં સ્થિત છે એવા મિથ્યાદ્રષ્ટિ જીવો ઘણા હોય ને શુભકર્મથી
પ્રમુદિત હોય તોપણ તેથી શું પ્રયોજન છે?–એ કાંઈ પ્રશંસનીય નથી.
(પદ્મનંદીપચ્ચીશી: દેશવ્રતઉદ્યોત ન–૨)
ભાઈ, જગતમાં તો કાગડા–કૂતરા–કીડી–મંકોડા વગેરે અનંતા જીવો છે, પણ
જૈનદર્શન પામીને જે જીવ પવિત્ર સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની આરાધના કરે છે તે જ
જીવ શોભનીક છે. સમ્યગ્દર્શન વગરના પુણ્ય પણ પ્રશંસનીય કે ઈચ્છનીક નથી.
જગતમાં મિથ્યાદ્રષ્ટિ ઘણા હોય ને સમ્યગ્દ્રષ્ટિ ભલે થોડા હોય–તેથી શું? જેમ
જગતમાં કોલસા ઘણા હોય ને હીરા કોઈક જ હોય, તેથી શું કોલસાની કિંમત વધી
ગઈ? ના, થોડા હોય તોપણ ઝગમગતા હીરા શોભે છે, તેમ થોડા હોય તોપણ
સમ્યગ્દ્રષ્ટિ જીવો જગતમાં શોભે છે. હીરા હંમેશાંં થોડા જ હોય. જૈનધર્મ કરતાં
અન્ય કુમતને માનનારા જીવો અહીં ઘણા દેખાય છે તેથી ધર્મીને સન્દેહ ન થાય કે
તે કુમત સાચા હશે! તે તો નિઃશંકપણે પરમ પ્રીતિથી જૈનધર્મને એટલે કે
સમ્યગ્દર્શનાદિ રત્નત્રયને આરાધે છે. ને એવા ધર્મીજીવોથી જ આ જગત શોભી
રહ્યું છે.