શૂરાતન
હે જીવ! આત્માને માટે શૂરાતન ચડાવ: અરિહંતોના
ભક્ત શૂરવીર હોય છે
જીવને જે કાર્ય કરવાનું શૂરાતન ચડે છે તે કાર્ય તે કોઈપણ
ભોગે પાર પાડે છે. આ સંબંધી લડાઈનું દ્રષ્ટાન્ત આપતાં ગુરુદેવે
રાત્રિચર્ચામાં કહ્યું કે–દુશ્મનનો નાશ કરવાનું જેને શૂરાતન ચડયું તે
સૈનિક પોતાના દેહની દરકાર છોડીને–કુટુંબાદિની દરકાર છોડીને
‘યાહોમ’ કરે છે,–હાથ પગ કપાય, આંખો જાય છતાં તે પાછી પાની
કરતો નથી કે શૂરાતન છોડતો નથી,–સાજો થઈને ફરી લડવા જવું છે
એમ કહે છે. તેમ અહીં જે આત્માર્થી–સૈનિકને આત્માને સાધવાનું
શૂરાતન જાગ્યું છે. મોહશત્રુને નાશ કરવા માટે શૂરાતન ચડયું છે તે
દેહની ને જગતની બધાની દરકાર છોડીને અંદરમાં ‘યાહોમ’ કરે છે.
પ્રતિકૂળતાને ગણકારતો નથી, આત્માને સાધવામાં ક્્યાંય પાછી પાની
કરતો નથી; શૂરવીર યોદ્ધાની જેમ સર્વ પ્રયત્નથી આત્માને સાધે છે.
આત્માને સાધવાનું સાચું શૂરાતન ચડે તો આત્મા તુરત જ જરૂર
સધાય.
શ્રીમદ્રાજચંદ્ર કહે છે કે–શૂરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં
કરી શકાય. શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ
સુલભ જ છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં શૂરવીરપણું ગ્રહણ કરવા યોગ્ય
છે....ઉલ્લાસિત વીર્યવાન પરમતત્ત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે.
અરે જીવ! તું શૂરવીર થા....તારી પ્રભુતાની બેહદ તાકાત
તારામાં ભરી છે.... તેની શ્રદ્ધાના સિંહનાદ કરીને આત્માને
સાધ....કાયરતા છોડીને વીરતાપૂર્વક વીરમાર્ગે આગે બઢ....
અરિહંતોના ભક્ત શૂરવીર હોય છે.