: ૧૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
કરનાર જીવની દ્રષ્ટિ ઈન્દ્રિયજ્ઞાન ઉપરથી છૂટીને પરિણામી એવા
ત્રિકાળી આત્મા ઉપર જાય છે, ત્યાં તેને એકલું ઈન્દ્રિયજ્ઞાન નથી
રહેતું, સ્વભાવના લક્ષે અતીન્દ્રિયજ્ઞાન થાય છે ને મોક્ષમાર્ગ પ્રગટે છે.
[૮૦] પ્રશ્ન:– નિગોદના જીવના જે પરિણામ છે તે પણ તે જીવના જ આશ્રયે છે,
છતાં તેને મોક્ષમાર્ગ કેમ નથી પ્રગટતો?
ઉત્તર:– કેમકે, મારા પરિણામ મારા દ્રવ્યના આશ્રયે છે–એવું લક્ષ તે જીવ નથી
કરતો, તેથી સ્વલક્ષે જે શુદ્ધ પરિણામ થવા જોઈએ તે તેને થતા નથી.
મારા પરિણામ મારા દ્રવ્યના આશ્રયે થાય છે–એમ નક્કી કરનારને
અંતરદ્રષ્ટિથી જરૂર મોક્ષમાર્ગ પ્રગટે છે. રાગાદિ પરિણામ જોકે
સ્વદ્રવ્યના આધારે થાય છે પણ તે કાંઈ સ્વભાવના લક્ષે થયેલા નથી,
તેથી તે મોક્ષમાર્ગ નથી. સ્વદ્રવ્યને લક્ષમાં લેતાં જે શુદ્ધપરિણામ થયા
તે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે, ને પછી જે ઈન્દ્રિયજ્ઞાન કે શુભરાગ બાકી
રહ્યો તેને જ્ઞાની વ્યવહારે પોતાના પરિણામ જાણે છે, પણ તેને તે
મોક્ષમાર્ગ માનતો નથી.
પ્રશ્ન:– પૂર્વજન્મની અઢીવર્ષની ગીતા તે જ આ જન્મની પાંચ વર્ષની રાજુલ છે,
ને તેને તેનું સ્મરણ થયું છે–તે વાત સાચી?
ઉત્તર:– હા, એ વાત સાચી છે. અહીં તે સંબંધી વિશેષ વિવેચનમાં ન ઊતરતાં
તાત્ત્વિકદ્રષ્ટિએ આપણે એટલો જ ખુલાસો કરીશું કે પુનર્જન્મ છે અને તેનું સ્મરણ થઈ
શકે છે. એટલું જ નહિ પણ અહીંથી અગમ્ય ગણાય એવા ક્ષેત્રનું ને અસંખ્ય વર્ષો
પહેલાંંનું સ્મરણ પણ જીવને થઈ શકે છે, ને એવા સ્મરણવાળા આત્મા અત્યારે
વિદ્યમાન છે. જીવની જ્ઞાનશક્તિ અગાધ છે–તે શું ન જાણી શકે? પૂ. ગુરુદેવના
શ્રીમુખથી અનેકવાર આ વાતનું દિગ્દર્શન થયેલું છે. તેમાંય આ માગશર સુદ ત્રીજે પૂ.
ગુરુદેવના શ્રી મુખથી વહેલો આનંદકારી મહિમા મુમુક્ષુહૃદયોમાં ચિરસ્મરણીય બન્યો છે.
(શાસ્ત્રપુરાણોમાં પણ એના હજારો ઉદાહરણો ભરેલા છે. શ્રીમદ્રાજચંદ્રજી લખે છે કે–
‘પુનર્જન્મ છે, જરૂર છે, તે માટે હું અનુભવથી હા કહેવામાં અચલ છું. ’ આથી વધુ
પ્રબલ પુરાવાઓ પણ આ સંબંધમાં છે.) પુનર્જન્મ સંબંધમાં જૈનસિદ્ધાંત એવો છે કે
સંસારી જીવ એક દેહ છોડીને તરત જ બીજો દેહ ધારણ કરે છે. તથા પૂર્વજન્મનું સ્મરણ
એ દેહથી જીવની અત્યંત ભિન્નતા સાબિત કરે છે.