Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 55

background image
: ૧૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
ભૂતાર્થસ્વભાવની સન્મુખ થાય ત્યારે જ સાચો આત્મા જણાય છે, પર સામે
જોયે કે એકલી પર્યાય સામે જોયે સાચો આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. સાચા આત્માની
દ્રષ્ટિ કહો કે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિ કહો, તે જ સમ્યગ્દર્શન છે. સાચા આત્માને જાણ્યા
વગર સમ્યગ્દર્શન કેમ થાય?
સાચો આત્મા જ જેણે જાણ્યો નથી તે આત્માની આરાધના ક્યાંથી કરશે?
કાયમ અતીન્દ્રિય આનંદથી ભરેલો આ આત્મસ્વભાવ, તેને અંતર્મુખ પરિણતિવડે
ઉપાદેય કરતાં સાચો આત્મા શ્રદ્ધામાં–જ્ઞાનમાં આવે છે.–આનું નામ ધર્મ, ને આનું નામ
મોક્ષમાર્ગ.
અરે, આવું આનંદમય ચૈતન્યતત્ત્વ, તેમાં વિષયકષાય કેવા ને દેહ કેવો? પણ
એને ભૂલીને મૂઢ જીવ શરીરને આત્મામાં જોડીને (એટલે કે તેને જ આત્મા માનીને)
વિષયકષાયોમાં લીન વર્તે છે, શુદ્ધાત્માના આનંદને તે અનુભવી શકતો નથી, સ્વભાવને
આધીન થાય તો સમ્યક્ પરિણામ થઈને આનંદનો અનુભવ થાય; પણ સ્વભાવને
ભૂલીને વિષયકષાયને આધીન થયો એટલે પરવશ થઈને દુઃખને જ અનુભવે છે.
ભાઈ! સાચો આત્મા તો તે કહેવાય કે જેની સન્મુખ થતાં પરમ આનંદનો સ્વાદ
આવે. ‘આત્મા’ તો આનંદ આપે એવો છે, દુઃખ આપે એવો નથી. આત્માના
સ્વભાવની સન્મુખ થાય ને દુઃખ રહે એમ બને નહિ, કેમકે દુઃખ આત્માના સ્વભાવમાં
નથી, આત્માના સ્વભાવમાં તો સુખ જ ભર્યું છે, આનંદ જ ભર્યો છે. એકવાર આવા
આત્માને અનુભૂતિમાં લે.
આત્માની આવી અનુભૂતિ આઠવર્ષની બાલિકાને પણ થાય છે. એને માટે લાંબા
લાંબા કાળની જરૂર નથી પણ ચૈતન્યસ્વભાવનો રસ જગાડીને પર્યાયને અંતર્મુખ કરતાં
તત્ક્ષણે જ આવી આત્માની અનુભૂતિ થાય છે. ને આવી અનુભૂતિ કરે ત્યારે રાગથી
પાર સાચા આત્માની ખબર પડે, ત્યારે સર્વજ્ઞની ને સાધક સન્તોની સાચી ઓળખાણ
થાય, ને મોક્ષતત્ત્વને ખરેખર ત્યારે જ જાણ્યું કહેવાય.