: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૨
બાવીશ વર્ષ પહેલાં
સોનગઢમાં વીર સં. ૨૪૭૧ ના વૈશાખ માસમાં (એટલે કે આજથી
૨૨ વર્ષ પહેલાં) ઉનાળાની રજા દરમિયાન શિક્ષણવર્ગમાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓએ અંદરોઅંદર કરેલા એક દિવસના પ્રશ્નોત્તરનો કેટલોક ભાગ.
૧. પ્રશ્ન:– જીવ અને દ્રવ્યમાં શું ફેર?
ઉત્તર:– જીવ કહેતાં એકલું જીવદ્રવ્ય ખ્યાલમાં આવે છે. અને દ્રવ્ય કહેતાં છએ
દ્રવ્યો ખ્યાલમાં આવે છે.
૨. પ્રશ્ન:– મોક્ષ સુખ ક્્યાં હોય? અહીં તે ભોગવી શકાય કે નહિ?
ઉત્તર:– મોક્ષસુખ આત્માની શુદ્ધ પર્યાયમાં હોય છે. અને આત્મામાં તે ભોગવી
શકાય છે; મોક્ષસુખનો સંબંધ બહારના ક્ષેત્ર સાથે નથી.
૩. પ્રશ્ન:– પ્રતિજીવી ગુણ અને અનુભવી ગુણ એટલે શું?
ઉત્તર:– વસ્તુનો જે ગુણ બીજાના અભાવની અપેક્ષા રાખે તેને અર્થાત્
અભાવસૂચક ગુણને પ્રતિજીવી ગુણ કહે છે અને જે ગુણ બીજાની અપેક્ષા ન રાખે તેને
અર્થાત્ ભાવસૂચક ગુણને અનુભવી ગુણ કહે છે.
૪ પ્રશ્ન:– એકેન્દ્રિય અને નિગોદમાં શું ફેર?
ઉત્તર:– નિગોદના બધા જીવોને એકેન્દ્રિય કહેવાય પણ બધા એકેન્દ્રિયને નિગોદ
ન કહેવાય.
પ. પ્રશ્ન:– છ દ્રવ્યોમાંથી ખંડ દ્રવ્ય કેટલાં છે?
ઉત્તર:– છએ દ્રવ્યો પોતાના સ્વરૂપે અખંડ છે, અને પરથી જુદા છે. પરમાણુના
સ્કંધને ખંડરૂપ કહી શકાય, કેમકે તે સ્કંધમાંથી પરમાણુઓ છૂટા પડી જાય છે.
૬. પ્રશ્ન:– રૂપી, અરૂપી, મૂર્તિક, અમૂર્તિક એમાંથી જીવને ક્યા ક્યા વિશેષણો
લાગુ પડે છે?
ઉત્તર:– જીવ અરૂપી અને અમૂર્તિક છે. જડ વસ્તુનું રૂપ જીવમાં નથી તેથી અરૂપી
કહેવાય છે પણ પોતાના જ્ઞાન વગેરેની અપેક્ષાએ તો તે સ્વ–રૂપી છે, જીવનમાં પોતાનું
રૂપ છે. જ્ઞાન દર્શન, વગેરે જીવનું સ્વરૂપ છે.
૭ પ્રશ્ન:– બાહ્યક્રિયા અને અભ્યંતર ક્રિયા એટલે શું?
ઉત્તર:– ખરેખર જ્ઞાનની શુદ્ધ પર્યાય તે આત્માની અભ્યંતર ક્રિયા છે અને રાગ
તે બાહ્યક્રિયા છે; અને ઉપચારથી રાગ તે અભ્યંતર ક્રિયા તથા શરીરાદિની ક્રિયા તે
બાહ્યક્રિયા છે.