: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
* પર ભાવથી ભિન્ન થઈને જેવા એક ક્ષણના અવલોકનમાં આવું સુખ–એના પૂર્ણ
સુખની શી વાત? એમ ધર્મીને આત્માનો કોઈ પરમ અચિંત્ય મહિમા સ્ફૂરે છે;
પોતામાં જ આનંદના દરિયા ઉલ્લસતા તે દેખે છે.
* હે જીવ! તું પણ ધર્માત્માની જેમ નિશ્ચિંતપણે તારા આત્માને પરમ પ્રીતિથી
ધ્યાવ. તને પણ તારામાં એવું જ સુખ વેદાશે.
એક ક્ષણ તો ધ્યાન કર....
અરે, અત્યારે અડધી ક્ષણ તો કર.
સમ્યક્ત્વની આરાધના
જે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, નિશ્ચલપણે સમ્યગ્દર્શનનો આરાધક છે તે જીવ
એકલો હોય તો પણ જગતમાં પ્રશંસનીય છે. ભલે તે પૂર્વના દુષ્કર્મના ઉદયથી
દુઃખિત હોય, નિર્ધન હોય, કાળો–કૂબડો હોય તોપણ પરમ આનંદસ્વરૂપ
અમૃતમાર્ગમાં રહેલો છે, કરોડો અબજોમાં તે એકલો હોય તો પણ શોભે છે,
પ્રશંસા પામે છે. સમ્યગ્દ્રષ્ટિ ચંડાળ દેહમાં રહ્યો હોય તો પણ તેને દેવસમાન
આદરણીય કહ્યો છે, તે રાખથી ભારેલ ચિનગારી જેવો છે. (એ વાત
સમન્તભદ્રસ્વામીએ રત્નકરંડશ્રાવકાચારમાં કહી છે.)
સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ પણ હોય, રહેવાનું મકાન ન હોય, તો પણ પ્રશંસનીય છે.
પૂર્વકર્મનો ઉદય તેને હલાવી શકતો નથી, તે સમ્યક્ત્વમાં નિશ્ચલ છે. નાનું દેડકું
સમવસરણમાં બેઠું હોય ને સમ્યગ્દર્શન વડે ચેતન્યના આનંદને અનુભવે છે, ત્યાં
બીજા કયા સાધનની જરૂર છે? ભલે પાપકર્મનો ઉદય હોય પણ હે જીવ! તું
સમ્યક્ત્વની આરાધનામાં નિશ્ચલ રહે. પાપકર્મને ઉદય હોય તેથી કાંઈ સમ્યક્ત્વની
કિંમત ચાલી નથી જતી.