: ૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
જે કાંઈ ઈષ્ટ–વહાલું–સુખરૂપ છે તે આવી સ્વાનુભૂતિમાં જ સમાય છે.
અરે જીવ! આ ઈષ્ટની પ્રાપ્તિનો અવસર છે; સંતો તને તારા ઈષ્ટની પ્રાપ્તિની રીત
બતાવે છે. પહેલાં ઈષ્ટનું સ્વરૂપ નકકી કર....આત્માનું શુદ્ધસ્વરૂપ શું છે તે જ્ઞાનમાં લઈને
સીધો તેને અનુભવમાં લે. ‘સીધો’ એટલે વચમાં બીજી કોઈ પરભાવની આડ રાખ્યા
વગર એકલા જ્ઞાન વડે આત્માને અનુભવમાં લે ‘હું અનુભવ કરું’ એટલી વૃત્તિનું પણ
જ્યાં ઉત્થાન નથી, છતાં આત્મા સ્વયં કર્તા થઈને સ્વાનુભવરૂપ કાર્યપણે પરિણમી જાય
છે; પોતે નિજસ્વભાવથી જ સ્વજ્ઞેયના જ્ઞાતાપણે પરિણમે છે, તેમાં કોઈ બીજાનું અવલંબન
નથી, જ્ઞાતા ને જ્ઞેય એવા ભેદ પણ નથી. દ્રવ્ય–પર્યાયની એકતા થઈને સ્વસંવેદનપણે
આત્મા પરિણમ્યો ત્યાં ઈષ્ટની પ્રાપ્તિ થઈ, અતીન્દ્રિય આનંદનું વેદન થયું.
પહેલાં સ્વસંવેદનગમ્ય આત્માનો બરાબર નિર્ણય કરે, ત્યારે જ સ્વાનુભવની
શક્તિ ખીલે. ક્યાંય પણ પરાવલંબનની બુદ્ધિમાં કે પરમાં મીઠાસની બુદ્ધિમાં ઊંડે ઊંડે
અટક્યો છે ત્યાં સુધી આત્મા સ્વસંવેદનમાં આવતો નથી. ભાઈ, આ તો આત્માનો રંગ
ચડાવવાની વાત છે; રાગનો જ્યાં રંગ હોય ત્યાં આત્મા અનુભવમાં આવે નહિ. ભાઈ!
ઈષ્ટરૂપ આત્માને તારે અનુભવમાં લેવો હોય તો પહેલાં એનું સ્વરૂપ જ્ઞાનમાં લે. ઈષ્ટનું
જેવડું સ્વરૂપ છે તેના કરતાં જરાય ઓછું માનીશ તો તને તારું ઈષ્ટ હાથમાં નહિ આવે.
પરમ શુદ્ધતત્ત્વ મહાન તેને ઈષ્ટ ન માનતાં રાગને–પુણ્યને સંયોગને જે ઈષ્ટ માને, તે
રાગ વગરના ચૈતન્યની પ્રાપ્તિનો પુરુષાર્થ ક્યાંથી ઉપાડશે? જે જેને ઈષ્ટ માને તે તેની
પ્રાપ્તિનો પ્રયત્ન કરે. જે રાગને ઈષ્ટ માને તે રાગના પ્રયત્નમાં રોકાય, પણ શુદ્ધાત્માનો
પ્રયત્ન તેને ઉપડે નહિ. અને શુદ્ધાત્માને જ જેણે ઈષ્ટ માન્યો તે જીવ રાગના પ્રયત્નમાં
રોકાય નહિ, રાગથી પાર ચૈતન્યને તે સ્વાનુભવ વડે પ્રાપ્ત કરશે.
ભાઈ, ઈષ્ટનો ઉપાય પણ ઈષ્ટરૂપ જ હોય, અર્થાત્ શુદ્ધસ્વભાવની પ્રાપ્તિનો
ઉપાય પણ શુદ્ધભાવરૂપ જ હોય, કેમ કે ઉપેય અને ઉપાય (સાધ્ય અને સાધન) બંને
એક જાતિના હોય, વિરુદ્ધ ન હોય. ઈષ્ટ વીતરાગતા, ને તેનું સાધન રાગ–એમ ન હોય;
જેમ ઈષ્ટ રાગ વગરનું છે તેમ તેની પ્રાપ્તિનો ઉપાય પણ રાગ વગરનો જ છે. રાગને
સાધન બનાવીને પ્રગટે એવો આત્માનો સ્વભાવ છે જ નહિ.
જેને જે ઈષ્ટ માને તેને તે ધ્યાવે; એક કોર શુદ્ધ આત્મસ્વભાવ છે, એકકોર
રાગાદિ અશુદ્ધતા તથા શરીરાદિ સંયોગો છે, હવે જે જીવ રાગને કે શરીરને સુખરૂપ–ઈષ્ટ
માને તે જીવ તે રાગને જ ધ્યેય બનાવીને તેમાં તન્મય વર્તે પણ તે રાગથી પાર એવા
શુદ્ધાત્માને ધ્યેય બનાવી શકે નહિ અને જેણે શુદ્ધાત્માને ધ્યેય બનાવ્યો, એને જ ઈષ્ટરૂપ
ને સુખરૂપ જાણ્યો તે જીવ તેનાથી વિરુદ્ધ એવા રાગાદિને કે શરીરને કદી ઈષ્ટરૂપ માનતા
નથી એટલે તેમાં તન્મય થતા નથી, એનાથી ભિન્ન શુદ્ધઆત્માને જ ઈષ્ટપણે ધ્યાવી
ધ્યાવીને પરમાનંદમય પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.–તે જ મહાન ઈષ્ટ છે.