: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
(લેખાંક ૧૧)
તત્ત્વરસિક જિજ્ઞાસુઓને પ્રિય દશ પ્રશ્ન–દશ ઉત્તરનો
આ વિભાગ પૂ. ગુરુદેવ પાસે થયેલ તત્ત્વચર્ચાઓમાંથી
તેમજ શાસ્ત્રોમાંથી તૈયાર કરવામાં આવે છે. –સં.
(૧૦૧) પ્રશ્ન:– કોઈ ઉપર પ્રશસ્ત રાગ થતો હોય તો તે પૂર્વભવના કાંઈ સંબંધી હશે?
ઉત્તર:– એવો કોઈ નિયમ નથી કે પૂર્વભવનો સંબંધ હોય માટે જ પ્રશસ્ત રાગ
થાય; એ જ રીતે કોઈ ઉપર દ્વેષ થાય તેથી તે પૂર્વ ભવમાં દુશ્મન હતો
એવો કાંઈ નિયમ નથી. કોઈવાર પૂર્વના સંબંધ વગર નવા જ
પરિચયમાં આવેલા જીવો ઉપર પણ રાગ–દ્વેષ થાય છે. વીતરાગી
જ્ઞાનસ્વભાવની ભાવના વડે રાગદ્વેષ ટળે છે; પછી પૂર્વભવના શત્રુ–મિત્ર
પ્રત્યે પણ દ્વેષ કે રાગ થતા નથી.
(૧૦૨) પ્રશ્ન:– જીંદગી ટૂંકી ને જંજાળ લાંબી, તો શું કરીએ તો જંજાળ ઘટે?
ઉત્તર:– ભાઈ, ચૈતન્યની જીંદગી ટૂંકી નથી, એ તો શાશ્વત જીવનવાળો છે.
જંજાળ એટલે બાહ્ય સંયોગ તે તો ક્ષણિક છે, પર છે, મોહથી તેને પોતાના
માનીને તેં જંજાળ લાંબી કરી છે. મોહ તૂટે તો જંજાળ તૂટે. મોહને તોડવા પરથી ભિન્ન
ચૈતન્ય તત્ત્વનો અંદરમાં વારંવાર તીવ્ર પ્રેમથી અભ્યાસ કરવો જોઈએ.