Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૭ :
(૧૩)
અનેકવિધ પાપોથી
બચવા ગૃહસ્થ દાન કરે
અહા, જેને સર્વજ્ઞના ધર્મનો મહિમા આવ્યો છે,
અંતરદ્રષ્ટિથી આત્માના ધર્મને જે સાધે છે, મહિમાપૂર્વક
વીતરાગભાવમાં જે આગળ વધે છે, ને ઘણો રાગ
ઘટાડવાથી જેને શ્રાવકપણું થયું છે એ શ્રાવકના ભાવ કેવા
હોય તેની આ વાત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય જેની
પદવી ઊંચી, ને સ્વર્ગના ઈન્દ્ર કરતાંય જેનું આત્મસુખ
વધારે–એવી શ્રાવકદશા છે તે શ્રાવક પણ હંમેશા દાન કરે
છે. એકલા લક્ષ્મીની લોલુપતાના પાપભાવમાં જીવન
વીતાવી દ્યે ને આત્માની કાંઈ દરકાર કરે નહિ–એવું જીવન
ધર્મીનું કે જિજ્ઞાસુનું હોય નહિ.
શ્રી પદ્મનંદી મુનિરાજ ગૃહસ્થને દાનની પ્રધાનતાનો ઉપદેશ આપતાં, દેશવ્રત–
ઉદ્યોતનની ૧૩ મી ગાથામાં કહે છે કે–જીવોને પુત્ર કરતાં અને પોતાના જીવન કરતાં
પણ ધન વધારે વહાલું છે; પાપથી ભરેલા સેંકડો અકાર્યો કરીને, સમુદ્ર–પર્વત ને પૃથ્વીમાં
ભ્રમણ કરીને, તથા અનેક પ્રકારનાં કષ્ટથી મહા ખેદ ભોગવીને દુઃખથી જે ધન પ્રાપ્ત કરે
છે તે ધન, જીવોને પુત્ર કરતાં અને જીવન કરતાં પણ વધારે વહાલું છે; આવા ધનને
વાપરવાનો શુભ માર્ગ એક દાન જ છે, એના સિવાય ધન ખર્ચવાનો બીજો કોઈ ઉત્તમ
માર્ગ નથી. માટે આચાર્યદેવ કહે છે કે અહો, ભવ્ય જીવો! તમે આવું દાન કરો.
જુઓને, અત્યારે તો જીવોને પૈસા કમાવા માટે કેટલા પાપ ને જૂઠાણા કરવા પડે
છે! દરિયાપારના દેશમાં જાય, અનેક પ્રકારનાં અપમાન સહન કરે, સરકાર પૈસા લઈ
લેશે એમ દિન રાત ભયભીત રહ્યા કરે,–એમ પૈસા માટે કેટલાં કષ્ટ સહન કરે છે ને કેટલા
પાપ કરે છે? એના ખાતર પોતાનું કિંમતી જીવન પણ વેડફી નાંખે છે, પુત્રાદિનો પણ