: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
વિયોગ સહન કરે છે,–એ રીતે જીવન કરતાં ને પુત્ર કરતાંય ધનને વહાલું ગણે છે. તો
આચાર્યદેવ કહે છે કે ભાઈ! આવું વહાલું ધન, જેના ખાતર તેં કેટલાં પાપ કર્યા,–તે
ધનનો સાચો ઉત્તમ ઉપયોગ શું? તેનો વિચાર કર. સ્ત્રી–પુત્ર ખાતર કે વિષય–ભોગો
ખાતર નું જેટલું ધન ખર્ચીશ, તેમાં તો ઊલટું તને પાપબંધન થશે. માટે લક્ષ્મીની સાચી
ગતિ તો એ છે કે રાગ ઘટાડીને દેવ ગુરુ–ધર્મની પ્રભાવના, પૂજા–ભક્તિ, શાસ્ત્રપ્રચાર,
દાન વગેરે ઉત્તમકાર્યોમાં તેનો ઉપયોગ કરવો.
પ્રશ્ન:– દીકરા માટે કાંઈ ન રાખવું?
ઉત્તર:– ભાઈ, જો તારો પુત્ર સપુત્ર અને પુણ્યવંત હશે તો તે તારા કરતાં સવાયું
ધન પ્રાપ્ત કરશે; અને જો તે કુપુત્ર હશે તો તારી ભેગી કરેલી બધી લક્ષ્મીને
ભોગવિલાસમાં વેડફી નાંખશે, ને પાપમાર્ગમાં ઉપયોગ કરીને તારા ધનની ધૂળ કરી
નાંખશે; તો હવે તારે સંચય કોને માટે કરવો છે? પુત્રનું નામ લઈને તારો લોભ પોષવો
હોય તો જુદી વાત છે! બાકી તો–
પુત્ર સપુત તો સંચય શાનો?
પુત્ર કપુત તો સંચય શાનો?
માટે, લોભાદિ પાપના કૂવામાંથી તારા આત્માનું રક્ષણ થાય તેમ કર; લક્ષ્મીના
રક્ષણની મમતા છોડ ને દાનાદિ વડે તારી તૃષ્ણા ઘટાડ. વીતરાગી સન્તોને તારી પાસેથી
કાંઈ જોઈતું નથી, પણ જેને તદ્ન રાગ વગરના સ્વભાવની રુચિ જાગી, વીતરાગ
સ્વભાવ તરફ જેનું પરિણમન વળ્યું તેનો રાગ ઘટ્યા વગર રહે નહીં. કોઈના કહેવાથી
નહિ પણ પોતાના સહજ પરિણામથી જ મુમુક્ષુને રાગ ઘટી જાય છે.
આ સંબંધમાં ધર્મી ગૃહસ્થના કેવા વિચાર હોય તે દર્શાવતાં શ્રી સમન્તભદ્રસ્વામી
રત્નકરંડ શ્રાવકાચારમાં કહે છે કે–
યદિ પાપનિરોધોન્યસંપદા કિં પ્રયોજનમ્।
અથ પાપાસ્રવોસ્ત્યન્યસંપદા કિંપ્રયોજનમ્।।૨૭।।
જો પાપનો આસ્રવ મને અટકી ગયો છે તો મને મારા સ્વરૂપની સંપદા પ્રાપ્ત
થશે, ત્યાં બીજી સંપદાનું મારે શું કામ છે? અને જો મને પાપનો આસ્રવ થાય છે તો
એવી સંપદાની મને શું લાભ છે? જે સંપદા મેળવતાં પાપ બંધાતું હોય ને મારા
સ્વરૂપની સંપદા લૂંટાતી હોય એવી સંપદા શું કામની? આમ બંને રીતે સંપદાનું
અસારપણું જાણીને ધર્મી તેનો મોહ છોડે છે. એકલા લક્ષ્મીની લોલુપતાના પાપભાવમાં
જીવન વીતાવી દ્યે ને આત્માની કાંઈ દરકાર કરે નહિ–એવું જીવન ધર્મીનું કે જિજ્ઞાસુનું
હોય નહિ. અહા, જેને સર્વજ્ઞનો મહિમા આવ્યો છે, અંતરદ્રષ્ટિથી આત્માના સ્વભાવને
જે સાધે છે, મહિમા–