: ૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
ઉત્તર:– રાગ–દ્વેષભાવ આત્માની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તે આત્માના
છે, પરંતુ રાગદ્વેષભાવ તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી–તેથી આત્માનું શુદ્ધસ્વરૂપ
બતાવવા માટે તેને જડના પણ કહેવાય છે.
૬૬. પ્રશ્ન:– ઈન્દ્રિય સિવાય જીવ હોઈ શકે કે નહિ?
ઉત્તર:– હા, સિદ્ધદશામાં અનંત જીવો છે તેઓને ઈન્દ્રિય કે શરીર નથી; તેમજ
જીવ જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન (વિગ્રહ ગતિ) કરે છે ત્યારે પણ તેને
ઈન્દ્રિય કે સ્થૂળ શરીર હોતાં નથી; અને ખરી રીતે તો બધાં જ જીવો ઈન્દ્રિય અને શરીર
વગરનાં જ છે, ઈન્દ્રિય અને શરીર તો જડ છે, જ્ઞાનસ્વરૂપ આત્મા તેનાથી જુદો જ છે.
વ્યવહારથી જીવને ઓળખવા માટે એકેન્દ્રિય વગેરે નામ આપ્યાં છે; તે એમ સૂચવે છે કે
તે જીવને જ્ઞાનમાં તે પ્રકારનો ઉઘાડ છે.
૬૭. પ્રશ્ન:– જડ અને પુદ્ગલમાં શું ફેર છે?
ઉત્તર:– જડનું લક્ષણ અચેતનપણું છે તેથી ‘જડ’ કહેતાં તેમાં જીવ સિવાયના
પાંચે દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે અને પુદ્ગલનું લક્ષણ રૂપીપણું છે તેથી પુદ્ગલ
કહેતાં એકલું પુદ્ગલ દ્રવ્ય લક્ષમાં આવે છે; જડ તો રૂપી પણ હોય અને અરૂપી પણ
હોય, પરંતુ પુદ્ગલ તો રૂપી જ હોય છે.
૬૮. પ્રશ્ન:– સત્દેવનું ટૂંકામાં ટૂકું સ્વરૂપ શું?
ઉત્તર:– સર્વજ્ઞતા; જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં વીતરાગતા હોય જ.
૬૯. પ્રશ્ન:– ‘અર્હંતદેવ’ અને ‘સ્વર્ગના દેવ’ એ બે દેવોમાં શું ફેર છે?
ઉત્તર:– અર્હંતદેવ પૂજનીક છે. તેઓ પૂર્ણજ્ઞાની છે, વિકાર રહિત છે, જીવનમુક્ત
છે, ભવરહિત છે. પણ સ્વર્ગના દેવ તો અપૂર્ણજ્ઞાનવાળા છે, વિકાર સહિત છે, સંસારી
છે. ભવસહિત છે; અર્હંતપ્રભુને દેવપણું ગુણના કારણે છે તેથી પૂજનીક છે, અને સ્વર્ગનું
દેવપણું તે તો પુણ્યનું ફળ છે. તેથી તે દેવપદ પૂજનીક નથી સ્વર્ગના દેવોમાં જોકે કેટલાક
સમ્યગ્દ્રષ્ટિ પણ છે પરંતુ પંચપરમેષ્ઠીરૂપ દેવપણું સ્વર્ગમાં હોતું નથી.’
૭૦. પ્રશ્ન:– કુદેવ કુગુરુની ભક્તિ કરવાથી જીવને શું લાભ થાય?
ઉત્તર:– કુદેવ–કુગુરુની ભક્તિ કરવાથી જીવને કાંઈ જ લાભ ન થાય, ઉલટું
મિથ્યાત્વના પોષણથી સંસારભ્રમણ થાય, ને જીવના ગુણ હણાય.
૭૧. પ્રશ્ન:– અગૃહીત મિથ્યાત્વનું ફળ શું? અને ગૃહીત મિથ્યાત્વનું ફળ શું?
ઉત્તર:– બંનેનું ફળ સંસાર જ છે; અગૃહિત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે,
ગૃહીત મિથ્યાત્વ નવું ગ્રહણ કરેલું છે. અને તે ગૃહીત મિથ્યાત્વ અગૃહીત મિથ્યાત્વને
પોષણ આપે છે.
૭૨. પ્રશ્ન:– મિથ્યાજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન વચ્ચે શું તફાવત છે?
ઉત્તર:– મિથ્યાજ્ઞાન તે સંસારનું કારણ છે,