Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 81

background image
: ૪૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
સ્વયંબુદ્ધ મંત્રીની પ્રશંસા કરી.
એકવાર સ્વયંબુદ્ધ મંત્રી મેરૂપર્વત ઉપરના અકૃત્રિમ ચૈત્યાલયોમાં બિરાજમાન
જિનપ્રતિમાઓની ભક્તિપૂર્વક વંદના કરવા માટે ગયો; ત્યાં અનાદિનિધન, હંમેશા
પ્રકાશીત અને દેવોથી પણ પૂજ્ય એવા શાશ્વત જિનમંદિરો દેખીને તેને ઘણો આનંદ
થયો, અને તેમાં બિરાજમાન રત્નમય નિજબિંબોની પ્રદક્ષિણા તથા ભક્તિપૂર્વક વારંવાર
નમસ્કાર કરીને પૂજા કરી; પછી થોડીવાર ત્યાં બેઠો.
એવામાં તે સ્વયંબુદ્ધ મંત્રીએ પૂર્વ વિદેહક્ષેત્રથી આવેલા બે મુનિવરોને દેખ્યા...એ
બંને મુનિવરો યુગન્ધર તીર્થંકરના સમવસરણરૂપી સરોવરના મુખ્ય હંસ હતા. મંત્રીએ
અતિશય ભક્તિથી પ્રણામ અને પૂજન કર્યા બાદ તે મુનિવરોને પોતાનો મનોરથ પૂછયો;
‘હે ભગવાન! આપ અવધિજ્ઞાનરૂપી નેત્રવડે જગતને જાણનારા છો તેથી હું મારા
મનની વાત આપને પૂછું છું. હે સ્વામી! મારા રાજા મહાબલ છે તે ભવ્ય છે કે અભવ્ય?
જિનેન્દ્રદેવે કહેલા સત્યમાર્ગનું સ્વરૂપ મારા વચન પ્રમાણે જે રીતે તે સ્વીકારે છે તે જ
રીતે તેનું સમ્યક્ શ્રદ્ધાન તે કરશે કે નહીં?–એ વાત હું આપ બંને સંતોના અનુગ્રહથી
જાણવા માંગું છું, માટે કૃપા કરીને કહો.”
મંત્રીએ આ પ્રમાણે પૂછયું ત્યારે આદિત્યગતિ નામના અવધિજ્ઞાની મુનિરાજે
કહ્યું: “હે ભવ્ય! તારો રાજા ભવ્ય જ છે, અને તે તારા વચન અનુસાર શ્રદ્ધા કરશે.
એટલું જ નહિ, દસમા ભવે તે તીર્થંકર પદ પામશે; આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની હવેની
ચોવીસીમાં તે ઋષભદેવ નામના તીર્થંકર થશે” “વળી હે મંત્રી! સાંભળ! આજે જ તારા
રાજાએ બે સ્વપ્નો જોયાં છે; પહેલાં સ્વપ્નમાં તેણે એમ જોયું છે કે ત્રણ દુષ્ટ મંત્રીઓએ
બળાત્કારપૂર્વક તેને ભારે કીચડમાં ફસાવી દીધો છે, ને તું તે દુષ્ટ મંત્રીઓને દૂર કરીને,
તેને કીચડમાંથી બહાર કાઢે છે ને સિંહાસન ઉપર બેસાડીને તેનો અભિષેક કરે છે. તથા
બીજા સ્વપ્નમાં તે રાજાએ અગ્નિની તીવ્ર જ્યોતને ક્ષણેક્ષણે ક્ષીણ થતી દેખી છે. આ બંને
સ્વપ્નો દેખીને તે રાજા તારી પ્રતીક્ષા કરી રહ્યો છે. પોતે કાંઈ પૂછયા પહેલાં જ તારા
મુખેથી બંને સ્વપ્નો અને તેનું ફળ સાંભળીને તે રાજાને વિસ્મય થશે, અને તે
નિઃસંદેહપણે તારાં વચનોનો સ્વીકાર કરશે. જેમ તરસ્યો ચાતક વરસાદના પાણીમાં
અતિશય પ્રેમ કરે અને જન્માન્ધ પુરુષ અંધાપો હરનારી ઔષધિમાં અતિશય પ્રેમ કરે,
તેમ તે મહાબલ રાજા તારી પાસેથી પ્રબોધ પામીને સમીચીન જૈનધર્મમાં અતિશય પ્રેમ
કરશે. તેણે જે પહેલું સ્વપ્ન દેખ્યું છે તે તેના આગામી ભવની સ્વર્ગની વિભૂતિનું સૂચક
છે; અને બીજું સ્વપ્ન તેના આયુષ્યની અતિશય ક્ષીણતાનું સૂચક છે. એ નિશ્ચિત છે કે
હવે તેનું આયુષ્ય એક મહિનાનું જ બાકી રહ્યું છે. માટે હે ભદ્ર! તેના કલ્યાણ માટે શીઘ્ર