: ૪૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
તે દેવ ભયભીત થઈને શોક કરવા લાગ્યો. કેમકે હજી તેને સમ્યગ્દર્શન થયું ન હતું. ત્યારે
સ્વર્ગના બીજા દેવોએ ધૈર્ય બંધાવતાં કહ્યું કે હે દેવ! પુણ્યફળથી પ્રાપ્ત થયેલા સ્વર્ગના
અભ્યુદયમાંથી જીવનું પતન થવાનું નિશ્ચિત જ છે, માટે શોક ન કરો ને ધર્મમાં મન
જોડો; જીવને ધર્મ જ પરમ શરણ છે. દેવોના એમ કહેવાથી લલિતાંગદેવે ધૈર્ય ધારણ કર્યું
ને ધર્મમાં ચિત્ત લગાડયું; પંદર દિવસ સુધી તેણે સમસ્ત લોકના જિનમંદિરોની પૂજા કરી,
ત્યારબાદ અચ્યુતસ્વર્ગના જિનપ્રતિમાઓનું પૂજન કરતો કરતો આયુના અંતસમયે
સાવધાન ચિતે ત્યાંના ચૈત્યવૃક્ષ નીચે બેસી ગયો, અને નિર્ભયપણે હાથ જોડીને
નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં તે અદ્રશ્ય થઈ ગયો, તેનો દેહ વિલય થઈ ગયો.
(હવે વજ્રજંઘ અને શ્રીમતીના ભવનું સુંદર વર્ણન આવશે.)
વિકલ્પ આત્માને નથી પકડતો,
શુદ્ધપરિણતિ જ આત્માને પકડે છે.
વીતરાગમાર્ગની શરૂઆત વીતરાગભાવ વડે જ થાય છે.
રાગ વડે વીતરાગમાર્ગની શરૂઆત થતી નથી.
શુદ્ધપરિણતિ તે મોક્ષમાર્ગ છે,
રાગ તે શુદ્ધપરિણતિથી જુદી જાત છે.
વીતરાગ જિનદેવનું ફરમાન એ છે કે,
તું તારા શુદ્ધાત્માને અનુભવમાં લે; બીજું બધું છોડ.
મોક્ષને માટે શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ એ એકજ કર્તવ્ય છે,
અન્ય કૃત્યનો અભાવ છે.
તું નિર્વિકલ્પ–આનંદનો નાથ, અરે જીવ!
તારે વિકલ્પનું શું કામ છે?
સંતોની વાત........ટુંકી ને ટચ,
સ્વમાં વસ......ને પરથી ખસ.