: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
પરમ શાંતિદાતારી
અધ્યાત્મ ભાવના
આત્મધર્મની સહેલી લેખમાળા
(લેખ: નં: ૩૭ અંક: ૨૭૨ થી ચાલુ)
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શું છે ને તેનો અનુભવ કેમ થાય તે વાત
પૂજ્યપાદસ્વામીએ આ સમાધિશતકમાં સહેલી રીતે વર્ણવી છે. આત્માના અતીન્દ્રિય
સુખની જેને અભિલાષા છે એવા જીવોને માટે રાગાદિથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપનું
વર્ણન કર્યું છે. વસ્ત્રનાં દ્રષ્ટાંતે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ બતાવીને કહે છે કે જેનો
ઉપયોગ આવા આત્મસ્વરૂપમાં લાગેલો છે તે જ પરમ શાંતિસુખને અનુભવે છે, બીજા
નહિ. આવો અનુભવ કરનાર જ્ઞાની કેવા હોય? તો કહે છે કે–
यस्य सस्पंदमाभाति निःस्पंदेन समं जगत्।
अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः।।६७।।
જે જ્ઞાનીને શરીરાદિની અનેક ક્રિયાઓ વડે સસ્પંદ એવું આ જગત કાષ્ટ વગેરે
સમાન નિસ્પંદ અને જડ ભાસે છે, તે જ પરમ વીતરાગી સુખને અનુભવે છે; તેના
અનુભવમાં ઈન્દ્રિયોના વ્યાપારરૂપ ક્રિયા નથી, કે ઈન્દ્રિયવિષયોનો ભોગવટો નથી.
ઉપયોગ જ્યાં અંતરમાં વળીને આત્માના આનંદના અનુભવમાં એકાગ્ર થયો ત્યાં દેહાદિ
તરફનું લક્ષ જ છૂટી જાય છે, એટલે તેને તો આ જગત નિશ્ચેતન ભાસે છે.–આવા જ્ઞાની
જ અંતર્મુખ ઉપયોગ વડે આત્મિક સુખને અનુભવે છે; મન–વચન–કાયાની ક્રિયાને
પોતાની માનનાર અજ્ઞાની બહિરાત્મા જીવ ચૈતન્યના પરમસુખને અનુભવી શકતો નથી.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા અશરીરી છે, તેને સાધવાવાળા જીવને જ્યાં શુભનોય રસ
નથી ત્યાં અશુભ પરિણામની તો વાત જ શી? જેને આત્માના સ્વરૂપની રુચિ થઈ તેને
સંસારનો અને દેહનો રાગ ટળ્યા વગર રહે નહિ; પરભાવની જરાય પ્રીતિ તેને રહે નહિ.