: ૨૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
ભગવાન ઋષભદેવ
તેમના છેલ્લા દશ અવતારની કથા
(મહાપુરાણના આધારે લે. બ્ર. હ. જૈન: લેખાંક ત્રીજો)
સોનગઢ–જિનમંદિરના ચિત્રોમાંથી પાંચ ચિત્રોનો પરિચય ‘આત્મધર્મ’ માં અપાઈ ગયો
છે; છઠ્ઠા ચિત્રમાં, શ્રી ઋષભદેવ ભગવાનના આત્માને પૂર્વે સાતમા ભવે ભોગભૂમિના અવતારમાં
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે–તેનું દ્રશ્ય છે. આ કથાનો સંબંધ તેમના દસમા ભવથી શરૂ થતો
હોવાથી આપણે અહીં ઋષભદેવપ્રભુના પૂર્વના દસમા ભવથી કથાની શરૂઆત કરી છે. દસમા ભવે
તે જીવ મહાબલરાજા હતો અને ત્યાં સ્વયંબુદ્ધ મંત્રીના ઉપદેશથી તેને જૈનધર્મનો પ્રેમ થયો.
ત્યારપછી નવમા ભવે તે સ્વર્ગમાં લલિતાંગ દેવ થયો અને ત્યાં સ્વયંપ્રભા દેવી સાથે તેને સંબંધ
થયો; ત્યાર પછી આઠમા ભવે તે બંને વજ્રજંઘ અને શ્રીમતી થયા છે; તેઓ, ૧–મતિવર મંત્રી ૨–
આનંદ પુરોહિત ૩–ધનમિત્ર શેઠ અને ૪–અકંપન સેનાપતિ એ ચારે સહિત, પુંડરિકિણીનગરી તરફ
જઈ રહ્યા છે.....જતાં જતાં વચ્ચે શષ્પ સરોવરના કિનારે પડાવ નાંખ્યો છે ને ભોજનની તૈયારી કરી
છે. એવામાં ત્યાં એક આનંદકારી ઘટના બની....શું બન્યું? તે જાણવા માટે હવે આગળ વાંચો.
એકાએક દમધર અને સાગરસેન નામના બે ગગનવિહારી મુનિવરો ત્યાં પધાર્યા. આ બંને
મુનિરાજને વનમાં જ આહાર લેવાની પ્રતિજ્ઞા હતી, તેઓ અતિશય તેજસ્વી હતા. અને
પવિત્રતાથી તેઓ એવા સુશોભિત હતા–જાણે કે સ્વર્ગ અને મોક્ષનો સાક્ષાત્ માર્ગ જ હોય.–આવા
બંને મુનિવરો વિહાર કરતા કરતા વજ્રજંઘના તંબુની સમીપ આવી પહોંચ્યા તે મુનિવરોને જોતાં જ
વજ્રજંઘ અને શ્રીમતીએ ઊઠીને આશ્ચર્યપૂર્વક તેમને પડગાહન કર્યું.