: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
ભક્તિથી અર્ઘ ચડાવીને નમસ્કાર કર્યા, અને યોગ્યવિધિપૂર્વક ભોજનશાળામાં
પ્રવેશ કરાવ્યો. ત્યાં વજ્રજંઘે તેમને ઉચ્ચ સ્થાને બેસાડયા, તેમના ચરણોનું પ્રક્ષાલન કર્યું,
પૂજા કરી, નમસ્કાર કર્યા; પછી મન–વચન–કાયાની શુદ્ધિપૂર્વક દાતાના સાત ગુણો–શ્રદ્ધા,
સંતોષ, ભક્તિ વગેરે સહિત વિશુદ્ધ પરિણામથી તે ઉત્તમ મુનિવરોને વિધિપૂર્વક
આહારદાન દીધું. (હજી એને ખબર નથી કે જેને પોતે આહારદાન આપ્યું તે પોતાના
પુત્રો જ હતા.) ઉત્તમ આહારદાનના પ્રભાવથી તરત જ ત્યાં આશ્ચર્યકારી પાંચ વસ્તુ
પ્રગટ થઈ– (૧) દેવો આકાશમાંથી રત્નવૃષ્ટિ કરવા લાગ્યા (૨) પુષ્પવર્ષા કરવા
લાગ્યા, (૩) આકાશગંગામાંથી સુગંધી જળના છંટકાવપૂર્વક મંદમંદ સુગંધી વાયુ વહેવા
લાગ્યો, (૪) ગંભીર દુંદુભિ વાજાં વાગવા માંડયા, અને (પ) ચારે દિશામાં “અહો
દાન....અહો દાન” એવા શબ્દ થવા લાગ્યા.
આહારદાન બાદ બંને મુનિરાજોને વંદન અને પૂજન કરીને વજ્રજંઘે જ્યારે તેમને
વળાવ્યા ત્યારે અંતઃપુરની દાસીએ કહ્યું; રાજન્! આ બંને મુનિવરો તમારા સૌથી નાના
પુત્રો જ છે. એ સાંભળતાં જ વજ્રજંઘ અને શ્રીમતી અતિશય પ્રેમપૂર્વક તે મુનિવરોની
નીકટ ગયા અને તેમની પાસેથી ધર્મનું શ્રવણ કર્યું. ત્યારબાદ વજ્રજંઘે પોતાના તથા
શ્રીમતીના પૂર્વભવ પૂછયા. મુનિવરોએ તે બંનેના પૂર્વભવોનું વર્ણન કર્યુ. ત્યારબાદ
વજ્રજંઘે ફરીને કુતૂહલથી પૂછયું–હે નાથ! આ મતિવર મંત્રી, આનંદ પુરોહિત, ધનમિત્ર
શેઠ અને અકંપન સેનાપતિ–એ ચારેય મને ભાઈની જેમ અતિશય વહાલા છે, માટે કૃપા
કરીને આપ તેમના પણ પૂર્વભવ કહો.
મુનિરાજે કહ્યું; હે રાજન્! આ મતિવર મંત્રીનો જીવ પૂર્વે એક ભવમાં સિંહ હતો;
એકવાર વનમાં પ્રીતિવર્ધન રાજાએ મુનિને આહારદાન દીધું તે દેખીને સિંહને
જાતિસ્મરણ થઈ ગયું, તેથી તે અતિશય શાંત થઈ ગયો ને આહારાદિનો ત્યાગ કરીને તે
સિંહ એક શીલા ઉપર બેસી ગયો. મુનિરાજે અવધિજ્ઞાનવડે તે જાણીને પ્રીતિવર્ધન
રાજાને કહ્યું: હે રાજન્! આ પર્વત ઉપર કોઈ એક સિંહ શ્રાવકના વ્રત ધારણ કરીને
સંન્યાસ કરી રહ્યો છે, તમારે તેની સેવા કરવી યોગ્ય છે; ભવિષ્યમાં તે ભરતક્ષેત્રના
પહેલા તીર્થંકર ઋષભદેવનો પુત્ર થશે. અને ચક્રવર્તી થઈને તે જ ભવે મોક્ષ જશે.
મુનિરાજની એ વાત સાંભળીને રાજાએ તે સિંહને પ્રેમથી જોયો, અને તેના કાનમાં
નમસ્કારમંત્ર સંભળાવ્યો. અઢાર દિવસના સંથારા બાદ દેહ છોડીને તે સિંહ બીજા
સ્વર્ગનો દેવ થયો અને ત્યાંથી ચ્યવીને આ મતિવર મંત્રી થયો છે.
વળી તે સિંહ ઉપરાંત પ્રીતિવર્દ્ધનરાજાના સેનાપતિ, મંત્રી અને પુરોહિત–એ
ત્રણેએ પણ આહારદાનમાં અનુમોદન આપેલું, તેથી તેઓ ભોગભૂમિનો અવતાર કરીને
પછી બીજા સ્વર્ગના દેવ થયા. તમારી (વજ્રજંઘની) લલિતાંગદેવની પર્યાયમાં એ ત્રણે
તમારા જ