: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
તમે બંનેએ આહારદાનના ફળમાં ભોગભૂમિનું આયુષ્ય બાંધ્યું છે, અને આ સિંહ વગેરે
ચારે જીવોએ પણ આહારદાનનું અનુમોદન કરીને તમારી સાથે જ ભોગભૂમિનું આયુષ્ય
બાંધ્યું છે. હે રાજન્! અહીંથી હવે આઠમા ભવે જ્યારે તમે ઋષભનાથ તીર્થંકર થઈને
મોક્ષ પામશો ત્યારે આ બધા જીવો પણ તે જ ભવમાં મોક્ષ પામશે, એમાં સંદેહ નથી.
અને ત્યાંસુધી આ બધા જીવો–દેવ મનુષ્યના ઉત્તમ ભવોમાં તમારી સાથે ને સાથે જ
રહેશે. આ શ્રીમતીનો જીવ પણ તમારા તીર્થમાં દાનતીર્થને પ્રવૃત્તિ ચલાવનાર
શ્રેયાંસરાજા થશે અને પછી તમારા ગણધર થઈને તે જ ભવે મોક્ષ પામશે.
આકાશગામી ચારણઋદ્ધિધારક મુનિવરોનાં આ વચનો સાંભળીને રાજા
વજ્રજંઘનું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું, તેમજ રાણી શ્રીમતી, મતિવરમંત્રી વગેરે
સૌને પણ ઘણો જ હર્ષ થયો. તેઓએ મુનિરાજના ચરણોમાં ફરી ફરીને નમસ્કાર કર્યા.
ત્યારબાદ, આકાશ જ જેમનાં વસ્ત્ર છે એવા એ નિસ્પૃહ મુનિવરો તો આકાશમાર્ગે
અન્યત્ર વિહાર કરી ગયા.
(અહીં જિજ્ઞાસુઓએ આગળ જતાં આ કથાનો સંબંધ સમજવા માટે એક વાત
લક્ષમાં રાખવા જેવી છે: વજ્રજંઘની સાથે વિધિપૂર્વક મુનિવરોને આહારદાન કરતાં
શ્રીમતીને ઘણી જ પ્રસન્નતા થઈ, અને આ આહારદાન–પ્રસંગના એવા દ્રઢસંસ્કાર તેના
આત્મામાં પડી ગયા કે, હવેના આઠમા ભવે વજ્રજંઘ જ્યારે ઋષભદેવ તીર્થંકર થશે અને
મુનિદશામાં એક વર્ષની તપશ્ચર્યા કરશે, તથા શ્રીમતીનો જીવ શ્રેયાંસકુમાર તરીકે જન્મ્યો
હશે, ત્યારે ઋષભદેવ ભગવાનને જોતાં જ તે શ્રેયાંસકુમારને પૂર્વના સાત ભવ પહેલાંના
(એટલે અસંખ્ય વર્ષ પહેલાંના) આ આહારદાન–પ્રસંગનું સ્મરણ થઈ આવશે, ને તે
ઉપરથી આહારદાનની વિધિ જાણીને તે વિધિપૂર્વક ઋષભદેવમુનિરાજને પહેલવહેલું
આહારદાન કરીને દાનતીર્થના પ્રવર્તક થશે.)
મુનિવરો વિહાર કરી જતાં રાજા વજ્રજંઘ વગેરે પોતાના તંબુમાં પાછા આવ્યા,
અને એ મુનિવરોના ગુણોનું ધ્યાન કરતાં આખો દિવસ એ શષ્પ સરોવરના કિનારે
વીતાવ્યો. ત્યારબાદ અનુક્રમે પ્રસ્થાન કરતાં કરતાં તેઓ પુંડરીકિણી નગરી આવી
પહોંચ્યા; ને ત્યાં થોડો વખત રહીને પોતાના ભાણેજ પુંડરીકનું રાજ્ય સુવ્યવસ્થિત
કરીને, ઉત્પલખેટક નગરીમાં પાછા ફર્યા.
વજ્રજંઘ અને શ્રીમતીનો ઘણો કાળ વિવિધ ભોગવિલાસમાં વીતી ગયો; આયુષ્ય
પૂરું થવા આવ્યું તેનો પણ તેમને ખ્યાલ ન રહ્યો. એકવાર શયનાગારમાં તેઓ સુતા
હતા, અને અનેક પ્રકારનો સુંગંધી ધૂપ ત્યાં સળગી રહ્યો હતો; પરંતુ સેવકો ઝરૂખાનું
દ્વાર ખોલવાનું ભૂલી ગયા, તેથી ચારેકોરથી બંધ શયનાગારમાં ધૂમાડાથી તેઓ
ગૂંગળાઈ ગયા, અને થોડીવારમાં મૂર્છિત થઈને મૃત્યુ પામ્યા. અહીં શાસ્ત્રકાર કહે છે કે
હા! જે ધૂપ તેમના ભોગોપભોગનું સાધન હતું તેનાથી જ તેમનું મૃત્યું થયું; ઉત્તમ
ભોગવૈભવને પામેલા વજ્રજંઘ અને શ્રીમતી પણ આવી શોચનીયદશાને