Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 53

background image
: ૨૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
પામ્યા.... માટે સંસારની આવી સ્થિતિને ધિક્કાર હો. ‘હે ભવ્ય જીવો! ભોગોમાં
આસક્તિથી જીવની આવી દશા થાય છે, તો પછી દુઃખકારી એવા એ ભોગોથી શું
પ્રયોજન છે? તેને છોડીને જિનેન્દ્રદેવના વીતરાગધર્મમાં જ પ્રીતિ કરો.
વજ્રજંઘ અને શ્રીમતી મરીને ક્્યાં ઊપજ્યા–તે હવે કહે છે.
(૪)
ઋષભદેવનો સાતમો પૂર્વભવ: ભોગભૂમિમાં સમ્યક્ત્વપ્રાપ્તિ:
પ્રિય પાઠક! હવે આપણી કથા એક બહુ જ સુંદર રળિયામણા ક્ષેત્રમાં જાય છે...કે
જે ક્ષેત્ર ઋષભદેવ ભગવાનના સમ્યક્ત્વની જન્મભૂમિ છે. ઋષભદેવનો જીવ વજ્રજંઘનો
અવતાર પૂરો કરીને અહીં અવતરે તે પહેલાં આ ક્ષેત્રનો થોડોક પરિચય કરી લઈએ.
આ જંબુદ્વીપની વચ્ચે મેરૂપર્વત છે, તેની ઉત્તર તરફ ઉત્તરકુરુ નામની ભોગભૂમિ
છે; તે ભોગભૂમિ પોતાની અતિશય શોભાદ્વારા જાણે કે સ્વર્ગની શોભાની મશ્કરી કરે છે.
ત્યાં ભોજન, વસ્ત્ર, આભૂષણ, દીપક, વાજિંત્ર વગેરે દેનાર કલ્પવૃક્ષો છે, તે રત્નમય
કલ્પવૃક્ષો પોતાની પ્રભાવડે ચારે બાજુ પ્રકાશ ફેલાવી રહ્યાં છે. આ વૃક્ષો અનાદિનિધન
છે, આ ઉપરોક્ત ફળ દેવાનો તેમનો સ્વભાવ જ છે. જેમ આજકાલના સામાન્ય વૃક્ષો
સમય પર અનેકવિધ ફળ આપે છે તેમ તે કલ્પવૃક્ષો પણ દાનના ફળમાં જીવોને અનેક
પ્રકારે ફળ આપે છે. ત્યાંની ભૂમિ રત્નોની બનેલી છે. પૂર્વભવે દાન દેનારા જીવો જ
અહીં ઉત્પન્ન થાય છે. અહીંના જીવો ચક્રવર્તી કરતાં પણ વધારે સુખી છે.
આપણા કથાનાયક વજ્રજંઘ અને શ્રીમતી એ બંને મરણ પામીને પાત્રદાનના
પ્રભાવથી આવી પુણ્યભૂમિમાં અવતર્યા; વજ્રજંઘની સાથે જેમણે આહારદાનનું
અનુમોદન કર્યું હતું એવો નોળિયો, સિંહ, વાંદરો અને ભૂંડ–એ ચારે જીવો પણ
આહારદાનની અનુમોદનાના પ્રભાવથી દિવ્ય મનુષ્યશરીર પામીને અહીં જ ઉપજ્યા
અને ભદ્રપરિણામી આર્ય થયા. મતિવરમંત્રી, આનંદપુરોહિત, ધનમિત્ર શેઠ તથા
અકંપનસેનાપતિ એ ચારેય જીવો વજ્રજંઘ–શ્રીમતીના મૃત્યુથી વૈરાગ્ય પામીને દીક્ષિત
થયા અને રત્નત્રયની આરાધના કરીને સ્વર્ગલોકમાં પહેલી ગૈ્રવેયકમાં અહમીન્દ્ર થયા.
(ઋષભદેવ ભગવાનના જીવને તેમજ સાથેના પાંચે જીવોને, ભોગભૂમિમાં
સમ્યક્ત્વપ્રાપ્તિનો જે અત્યંતપ્રિય મંગલપ્રસંગ સોનગઢજિનમંદિરમાં દર્શાવવામાં આવ્યો
છે, અને જે મુમુક્ષુઓને સમ્યક્ત્વની પ્રેરણા જગાડે છે–તે પ્રસંગનું રોમાંચકારી વર્ણન
હવેના લેખાંકમાં આવશે.)