Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૫ :
એ..........લો
આત્માનું પરથી ભિન્ન એકત્વસ્વરૂપ બતાવીને, વૈરાગ્યરસના
સીંચનપૂર્વક ચૈતન્યની આરાધનાની પ્રેરણા આપતાં સન્તો કહે છે
કે: હે જીવ! ચારગતિના ભવભ્રમણમાં, કે મોક્ષની આરાધનામાં તું
એકલો જ છો, બીજું કોઈ તારું સાથીદાર નથી; આવું એકત્વસ્વરૂપ
જાણીને તું એકલો તારા પરમતત્ત્વમાં જ સ્થિત રહે.
નિયમસાર ગાથા ૧૦૦માં એકત્વભાવના વર્ણવતાં આચાર્યદેવ કહે છે કે–
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.
અનાદિ અનંત એકલો આત્મા અન્ય કોઈની સહાય વગર નિઃસહાયપણે
સંસારરૂપ કે મોક્ષરૂપ પોતે પરિણમી રહ્યો છે. સંસારમાં દરેક જીવને આયુષ્યની સ્થિતિ
પ્રત્યેક સમયે ઓછી થાય છે એટલે કે આયુષ્યની હાનિરૂપ મરણ દરેક સમયે થઈ રહ્યું
છે, આયુષ્યના રજકણ ક્ષણેક્ષણે દોડતા જાય છે તેને ઈન્દ્રો પણ રોકી શકતા નથી. ઈન્દ્રોનું
આયુષ્ય પણ પ્રત્યેક સમયે ક્ષય પામતું જ જાય છે. આયુષ પૂરું થતાં એક ભવમાંથી
મરીને બીજા ભવમાં જતાં જીવને શું કોઈ રોકી શકે છે? ના; અસહાયપણે સંસારમાં તે
જન્મ–મરણ કરે છે. ને સ્વભાવની સાધનાવડે તે મોક્ષને સાધવા માંગે તો તે પણ પરની
સહાય વગર પોતે એકલો જ સાધી શકે છે. સંસારમાં રખડવામાં કે સિદ્ધિને સાધવામાં
જીવ એકલો જ છે.
જીવ રાત્રે સૂએ ને સવારમાં જુઓ તો ફૂ.....! રાત્રે સૂતો તે સવારે ઉઠશે જ–તેની
પણ ક્ષણભંગુર જીવનમાં ખાતરી નથી. મોટો શહેનશાહ રાત્રે સૂતો ને સવારે મરણ
પામ્યો! રાત્રે ક્્યારે મરણ પામ્યો તેની પણ લોકોને ખબર ન પડી. અને કદાચ હજારો
લાખો સેવકો ને મોટા મોટા વૈદ–દાક્તરો સામે ઉભા હોય તોપણ જીવને મરણથી
બચાવવા કોઈ સમર્થ નથી. માટે આવું અસહાયપણું જાણીને હે જીવ! તું તારા એકત્વ
સ્વભાવને પરથી પૃથક્ દેખ. બાપુ! તારા ચિદાનંદઘરને તું જો તો ખરો....તેના અપાર
વૈભવને દેખતાં તું એકલો સિદ્ધિને પામીશ; તેમાં કોઈ બીજાની સહાયની જરૂર તને નહિ
પડે. ભગવાન! અસહ્ય અને ક્ષણભંગુર એવા આ સંસારના ભાવથી વિરક્ત થઈને
એકલો તું તારા સિદ્ધપદને સાધ.