: ૨૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
આયુષ્યના ક્ષયરૂપ મરણ તો જરૂર થવાનું જ છે. જો કે જ્ઞાનાનંદસ્વભાવથી તો
જીવ અનાદિઅનંત છે, તેનો કદી નાશ થતો નથી; આવા અનાદિઅનંત જ્ઞાનાનંદસ્વભાવને
જાણે તો સાદિ–અનંત એવા સિદ્ધપદને સાધે, કે જ્યાં કદી મરણ કે જન્મ નથી. અરે, આવા
અશરીરી જ્ઞાનાનંદસ્વરૂપી આત્માને સંસારમાં શરીર ધારણ કરીને ભવભવમાં ભટકવું પડે
તે તો શરમ છે!–તેનાથી છૂટીને અશરીરી થવાની આ વાત છે.
જે જાણે નિજાત્મને, અશુચી દેહથી ભિન્ન;
શરમજનક જન્મો ટળે, ધરે ન દેહ નવીન.
બ્રહ્મદત્તચક્રવર્તીનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું, તેમાંય ચક્રવર્તીપદનો કાળ તો
તેનાથી થોડો; તે મરીને સાતમી નરકમાં ૩૩ સાગરોપમના આયુષ્યથી ઊપજ્યો. એટલે
ચક્રવર્તીપદની એકેક સેકંડની સામે અસંખ્યાતા વર્ષોનું નરકનું ઘોર દુઃખ તે પામ્યો. અહીં
ચક્રવર્તીપણામાંય કોઈ તેનું સહાયક ન હતું, પોતે એકલાએ જ તેના ભોગવટાનો ભાવ
કર્યો ને મરીને પોતે એકલો જ નરકમાં ગયો, ત્યાં અનંતા દુઃખને તે એકલો જ ભોગવે
છે; ને સ્વભાવને સાધીને મોક્ષ પામશે ત્યારે પણ તે એકલો જ મોક્ષ પામશે.
ભાઈ, સંતો તને તારું એકત્વ બતાવીને સ્વાશ્રિત મોક્ષમાર્ગ સાધવાનું કહે છે. તું
એકલો છો..... જગતમાં તારે કોની સામે જોઈને અટકવું છે! પરાશ્રયે તેં અનંત જન્મ–
મરણ કર્યા; અરે, હવે તો એનો છેડો છોડ! હવે તો સ્વાશ્રય કરીને સિદ્ધિના પંથે ચડ!
શ્રી ગુરુ તને તારું સ્વાશ્રિત ચૈતન્યપદ બતાવીને તેનો આશ્રય કરાવે છે, તો શ્રી
ગુરુનાપ્રસાદથી તું સ્વાત્માશ્રિત પરિણામ વડે તારા સિદ્ધપદને સાધ! તારા મોક્ષને
સાધવામાં પણ તું એકલો જ છો.....તારા સિદ્ધપદને સાધવા માટે તું બહારથી પાછો
હટીને અંતરમાં જા..... એમ સંતોનો વારંવાર ઉપદેશ છે.
રે જીવ! સિદ્ધપદને સાધવાનો આવો અવસર મળ્યો છે, હવે તું ચુકીશ
નહિ....સિદ્ધપદના ભંડાર તારામાં જ ભર્યા છે, તેને અંતરદ્રષ્ટિથી ખોલ એટલી જ વાર
છે. તારા સિદ્ધપદને માટે કોઈ બીજાની સામે તારે જોવાનું નથી, કોઈ બીજાની તારે
ઓશીયાળ કે સહાય નથી, ને કોઈ બીજો તને રોકી શકે તેમ નથી. તું અંતુર્મુખ થઈને
નિજાત્માનો આશ્રય લે. તીર્થંમાં કે સિદ્ધક્ષેત્રમાં જઈને પણ નિજાત્માના આશ્રયે જ સિદ્ધિ
સાધી શકાય છે; નિજાત્માના આશ્રય વગર ક્યાંય પણ સિદ્ધિ પામી શકાતી નથી.
પોતાના પરિણામરૂપ કર્મને આત્મા જ સ્વયં કરે છે, ને પોતે જ તેના ફળને
ભોગવે છે; કોઈ બીજો તેના પરિણામને કરાવતો નથી કે કોઈ બીજો તેના ફળને
ભોગવતો નથી.–આવો એકત્વ સ્વભાવ અનાદિઅનંત છે. પોતાના પરિણામમાં
સંસારના કે મોક્ષના ભાવ કરીને તેના ફળને જીવ એકલો જ ભોગવે છે. સ્ત્રી–પુત્રાદિ
માટે જે પાપ કર્યાં તેનું ફળ ભોગવવા કાંઈ તેઓ ભેગાં નથી આવતા. તારા પરિણામનું
ફળ તારે જ ભોગવવાનું