Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૭ :
છે એમ જાણીને હે જીવ! તું પર પરિણામથી પાછો વળીને નિજસ્વભાવમાં તારા
પરિણામને જોડ.....જેથી તું એકલો પોતામાં તારા પરમ આનંદને ભોગવીશ.
પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમજ
મૃત્યુમાં પ્રવેશે છે, કોઈ (સ્ત્રી–પુત્ર–મિત્રાદિક) સુખ–દુઃખના પ્રકારોમાં બિલકુલ
સહાયભૂત થતું નથી; એ તો માત્ર પોતાની આજીવિકા માટે ધૂતારાઓની ટોળી તને
મળી છે. એટલે કે પરની સહાય લેવા જઈશ તો તું ધુતાઈ જઈશ, તારી ચૈતન્યની સંપદા
લુંટાઈ જશે. માટે એની નજર છોડ.....ને તારા સ્વરૂપમાં નજર કર......
જેની હાકલ પડતાં હજાર દેવો હાજર થાય–એવા મોટા ત્રણ ખંડના ધણીને
પીવાનાં પાણી ન મળ્‌યાં! અને સગાભાઈના હાથે બાણથી મરણ થયું! અરે, સંસારમાં
કોણ શરણ છે? હજાર દેવો કદાચ પાસે ઉભા હોય તોપણ તે કાંઈ શરણ નથી, ત્રણ
ખંડના ધણી દ્વારિકાનગરીને બળતી બચાવી ન શક્યા માતા–પિતાને નગરીથી બહાર
કાઢી ન શક્્યા! માટે શું કરવું! કે આવા અશરણ સંસાર તરફનું વલણ ફેરવીને તું તારા
ચિદાનંદ તત્ત્વની આરાધનામાં તારું ચિત્ત જોડ. મોહને લીધે તું તારા સ્વસુખથી વિમુખ
થયો હતો, હવે સ્વભાવની સન્મુખ થઈને તું તારા સુખને ભોગવ. આત્માની
એકત્વભાવનામાં જ આવું સુખ છે.
આત્માની આવી એકત્વભાવનામાં પરિણમેલા સમ્યગ્જ્ઞાની કેવા હોય? તે
પોતાના આત્માને કેવો અનુભવે? તો કહે છે કે–
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. (૧૦૨)
સંસારના વિકલ્પોના કોલાહલથી રહિત એવી મારી સહજ શુદ્ધ જ્ઞાનચેતના તેને
અતીન્દ્રિય આનંદસહિત હું ભોગવું છું. ને મારા અનુભવમાં આવતો જે મારો શાશ્વત
જ્ઞાનદર્શનમય એક સ્વભાવ, તે સિવાય બીજા બધાય પરભાવો મારાથી બહાર છે,
આવા નિજસ્વરૂપને જ્ઞાની એકત્વભાવનાવડે અનુભવે છે.
એક ભાણામાં સાથે બેસીને જમનારા ત્રણ જણા, તેમાં એક તે ભવે મોક્ષ જનાર હોય,
એક સ્વર્ગે જાય ને એક નરકે જાય;–આ રીતે પોતાના પરિણામથી જીવ એકલો જ સ્વર્ગમાં–
નરકમાં કે મોક્ષમાં જાય છે. અરે, તારું એકત્વ ચૈતન્યતત્ત્વ–જેમાં વિકલ્પોનો કોલાહલ નથી,
જેમાં બીજાનો સંયોગ નથી,–એવા પરમતત્ત્વને સ્વાનુભવમાં પ્રાપ્ત કર્યા વગર ભવભ્રમણનો
છેડો આવે તેમ નથી. માટે એકલો અસંગ થઈને અંતરની ગૂફામાં પરમતત્ત્વને શોધ ને તેમાં
સ્થિર થા. જેથી તને એકલાને તારું મોક્ષસુખ તારામાં જ અનુભવાશે.