આવતે અંકે
ઋષભદેવનો જીવ (વજ્રજંઘ) તથા શ્રેયાંસકુમારનો જીવ (શ્રીમતી)–એ બંને મુનિવરોને
આહારદાન કરે છે ને સિંહ–વાનર–ભૂંડ ને નોળિયો–એ ચારે જીવો તેનું અનુમોદન કરે છે. એનું
વર્ણન આપણે આ અંકની કથામાં વાંચીશું, પછી તે છએ જીવો ભોગભૂમિમાં ઉપજ્યા છે ને ત્યાં
મુનિરાજના ઉપદેશથી છએ જીવો સમ્યક્ત્વને ગ્રહણ કરે છે. તેનું ભાવભીનું જે દ્રશ્ય આ ચિત્રમાં
દેખાય છે તે સંબંધી કથા આવતા અંકમાં આપણે વાંચીશું. મુનિરાજદ્વારા છએ જીવોને સમ્યક્ત્વ–
પ્રાપ્તિનું દ્રશ્ય કેવું મજાનું છે! એ જોતાં આપણનેય એ લેવાનું મન થઈ જાય છે.
મોટો મોક્ષમાર્ગી......ને નાનો મોક્ષમાર્ગી
મોક્ષમાર્ગનો મોટો ભાગ મુનિવરો પાસે છે. ગૃહસ્થ ધર્માત્મા પાસે મોક્ષમાર્ગનો
નાનો ભાગ છે. ભલે નાનો ભાગ પણ તેની જાત તો મુનિરાજના મોક્ષમાર્ગ જેવી જ છે.
શ્રાવકધર્મીને પણ મોક્ષમાર્ગનો અંશ હોય છે.
કોઈ કહે કે મોક્ષમાર્ગ મુનિને જ હોય ને ગૃહસ્થ–શ્રાવકને જરાપણ મોક્ષમાર્ગ ન
હોય–તો તેને ખરેખર મોક્ષમાર્ગના સ્વરૂપની ખબર નથી ને શ્રાવકધર્માત્માની દશાને
પણ તે ઓળખતો નથી. અવ્રતી ગૃહસ્થને પણ મોક્ષમાર્ગનો અંશ વર્ત છે–તે પણ ક્્યારેક
ઉપયોગને અંદરમાં એકાગ્ર કરીને નિર્વિકલ્પ સ્વાનુભવના મહા આનંદને વેદી લ્યે છે.
મુનિને તો ચૈતન્યસ્વરૂપમાં ઘણી લીનતા છે. મુનિ મોટા મોક્ષમાર્ગી છે, ને ગૃહસ્થી
સમ્યગ્દ્રષ્ટિ નાનો મોક્ષમાર્ગી છે–પણ મોક્ષમાર્ગ તો બંનેને છે; બંને મોક્ષના સાધક છે.
(આવતા અંકમાં પ્રગટ થનાર સુંદર પ્રવચનમાંથી)