: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૧ :
બાળકોને તત્ત્વજિજ્ઞાસા
વિદ્યાર્થીઓના શિક્ષણવર્ગમાં આવેલ અનેક બાળકો જિજ્ઞાસાથી
તત્ત્વચર્ચામાં ભાગ લેતા ને કોઈકવાર પ્રશ્ન પણ પૂછતા. આવી તત્ત્વચર્ચાનો
લાભ બાલવિભાગના બીજા બાળકો પણ મેળવે એવી ભાવનાથી એક બાળકે
પૂ. ગુરુદેવ સમક્ષ થયેલ પ્રશ્નોત્તર લખી મોકલેલ, તે અહીં આપેલ છે. (લખાણ
સાથે તે સભ્યનું નામ કે નંબર લખેલા ન હોવાથી આપી શક્્યા નથી.)
(૧) પ્રશ્ન:– કેવળજ્ઞાની ભગવાનને કેવળજ્ઞાન થાય છે ને આપણને કેમ થતું
નથી? (બાળકોમાં નાનપણથી જ કેવળજ્ઞાનની આસ્તિકતાના ને તેની ભાવનાના
સંસ્કાર કેવા પોષાય છે તે પ્રશ્નમાં દેખાય છે.)
ઉત્તર:– તે પ્રકારનો પુરુષાર્થ પોતે નથી કરતો માટે; પહેલાં તો આત્મામાં
કેવળજ્ઞાન થવાની તાકાત છે એવી શ્રદ્ધા ને ઓળખાણ કરવી જોઈએ; એવી શ્રદ્ધા જે કરે
તેને અલ્પકાળમાં કેવળજ્ઞાન જરૂર થાય.
(૨) પ્રશ્ન– અમારા જેવા નાની ઉંમરના બાળકોને સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તર:– બધા આત્મા અનાદિના છે એટલે ખરેખર આત્મા મોટો કે નાનો નથી.
મોટી ઉમરનાને જે કરવાથી સમ્યગ્દર્શન થાય છે, નાની ઉમરનાને પણ તે જ કરવાથી
સમ્યગ્દર્શન થાય છે. નાના કે મોટા જે કોઈ જીવ આત્માનો પરમ પ્રેમ પ્રગટ કરીને
અંતર્મુખદ્રષ્ટિ કરે તેને સમ્યગ્દર્શન થાય છે. બધાને માટે સમ્યગ્દર્શનનો એક જ ઉપાય છે.
(૩) પ્રશ્ન:– જીવને તાત્કાલિક આનંદ કેમ થાય?
ઉત્તર:– આનંદના દરિયામાં ડુબકી મારે કે તરત! આ આત્મા આનંદસ્વભાવથી
ભરપૂર છે તેને ઓળખીને જ્યારે જ્યારે આત્મા તેમાં એકાગ્ર થાય કે તત્ક્ષણે તેને
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. (આ ક્ષણે આપણે આત્મામાં ઉપયોગ મુકીએ
તો અત્યારે જ આપણને આનંદ થાય.) એવા આનંદને અનુભવવા માટે પહેલાં તેની
લગની લગાડીને ખૂબ અંતરમાં અભ્યાસ કરવો જોઈએ.
(૪) પ્રશ્ન:– ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પદશા વખતે આત્મામાં શું થાય છે?
ઉત્તર:– આત્માના પરમ આનંદનો અનુભવ થાય છે.