પ્રેરક આ પ્રવચન વારંવાર મનનીય છે કે જેથી આત્માને
ચૈતન્યરુચિના રંગ લાગે ને રાગાદિના બીજા કોઈ રંગ લાગે નહિ.
લોકસંસર્ગથી દૂર અને લોકસંબંધી અભિલાષાથી દૂર પોતાના આનંદસ્વરૂપને ચિન્તવે
છે. આનંદસ્વરૂપ આત્મા હું છું–એમ દ્રઢ પ્રતીતિ વડે આત્માને સ્વવિષયરૂપ બનાવે;
શ્રદ્ધાને–જ્ઞાનને આત્મા તરફ ઝુકાવે. મારી ચીજ પરમાં નથી, પરનો અંશ મારામાં નથી;
વિકલ્પ પણ મારું કાર્ય નથી હું તો જ્ઞાન ને આનંદનો પિંડ છું–આવા સ્વભાવની
ભાવનામાં તત્પર જ્ઞાની–સન્તો બહારના કાર્યોને પોતાના હૃદયમાં લાંબો કાળ રહેવા
દેતા નથી; સ્વભાવના રસ આડે બીજા બધા કાર્યોનો રસ એને ઉડી ગયો છે એટલે તેમાં
પરિણામનું જોર નથી. પરિણામનું જોર સ્વભાવ તરફ ઝૂકે છે. પોતાના શુદ્ધ આત્મા
સિવાય બીજું કાંઈ ધર્મીની રુચિમાં વસ્યું નથી. એને આત્મા સિવાય બીજા કાર્યોનો રંગ
ઊડી ગયો છે, તેનો રસ તેને રહ્યો નથી.
સ્વાદની પ્રીતિ આડે જગતના સ્વાદ બધા નીરસ લાગે છે. લગની પોતાના આત્માની
લાગી છે ત્યાં બીજા શેમાંય પરિણામની લીનતા થતી નથી. –આવી પરિણતિ ધર્મીને
સદાય ક્ષણે ને પળે વર્ત્યા જ કરે છે. વનમાં હો કે ઘરમાં, પણ ધર્મીની પરિણતિનો રંગ
આત્મામાં લાગેલો છે, એની પરિણતિ ભોજનાદિમાં જવા છતાં તેને ભોજનાદિનો રંગ
નથી, એટલે ખરેખર તેમાં તેની પરિણતિ લાગેલી નથી. તે વખતે ચૈતન્યસ્વભાવના
રંગથી જ તેની પરિણતિ રંગાયેલી છે, રાગના રંગે તે રંગાયેલી નથી.