Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
ધર્મીને પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન તે એક જ ઈષ્ટ છે, એ સિવાય બીજામાં
અંશમાત્ર પરિણતિ જાય તે ઈષ્ટ નથી, વહાલું નથી, સુખકર નથી. સુખનો સમુદ્ર જ્યાં
ભર્યો છે તેમાં ઉપયોગને સ્થિર કરવો તે જ મોક્ષનો ને સુખનો માર્ગ છે. સાધકપણામાં
વચ્ચે બીજા વિકલ્પો હોય તેને ધર્મી ઈષ્ટ નથી માનતા, તેને મોક્ષનો ઉપાય નથી માનતા.
જેમાં આનંદનું વેદન થાય તે જ ઈષ્ટ છે, આનંદનું જેમાં વેદન ન થાય તે આકુળતાનું
વેદન–થાય–તે ધર્મીને ઈષ્ટ કેમ હોય? પરમાર્થ ધ્યાન–સ્વાધ્યાય–આવશ્યકક્રિયા–
પ્રતિક્રમણાદિ–મંગલ–શરણ વગેરે બધા શુદ્ધનયથી આત્મધ્યાનમાં જ સમાય છે.
અહો, જેની સન્મુખ જોતાં મોક્ષના સાધનની ઉત્પત્તિ થાય, ને જેની વિમુખ જોતાં
બંધના કારણની ઉત્પત્તિ થાય–એવું આ ચૈતન્ય તત્ત્વ તે જ ધર્મીનું ધ્યેય છે, તેનું ધ્યાન
એ જ સર્વ શાસ્ત્રનો સાર છે. આમાં નિશ્ચય–વ્યવહાર ને ઉપાદાન–નિમિત્ત વગેરે બધાના
ખુલાસા સમાઈ ગયા. શુદ્ધાત્માની સન્મુખતા વડે મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અબાધિત
નિયમ છે, એટલે શુદ્ધાત્માની સન્મુખ થવાનો ઉપદેશ તે જ ઈષ્ટ–ઉપદેશ છે. જેણે
અંતર્મુખ થઈને શુદ્ધાત્માનું ગ્રહણ કર્યું તેણે સંતોના ઉપદેશમાંથી ઈષ્ટનું ગ્રહણ કર્યું.
ભાઈ, ઉપદેશમાંથી તું તારા શુદ્ધ આત્માને શોધજે ને તેને જ ઈષ્ટપણે–વહાલો
કરીને ગ્રહણ કરજે. બીજા કોઈ ભાવોને ન ગણીશ. મારું હિત શેમાં છે–તે નક્કી કરીને
અંતરમાં શુદ્ધાત્માના ધ્યાન વડે તેવો હિતભાવ (–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) પ્રગટ
કરજે, ને પરભાવોનો પ્રેમ છોડજે. તારે તારો આનંદ પ્રાપ્ત કરવો છે ને? તો તે આનંદ
જ્યાં ભર્યો છે ત્યાં જા.....જે આનંદનું ધામ છે તેને તું ધ્યાનમાં લે. –એના સિવાય આખા
જગતની રુચિના રંગને છોડ. ધર્મીને રુચિમાં આત્માના રંગ લાગ્યા છે; તે રંગ ચડયો
તેમાં હવે ભંગ પડે નહિ એટલે બીજા રાગના રંગ લાગે નહિ. આવો ચૈતન્યનો રંગ
લાગે તે જ આત્માનું ઈષ્ટ છે, ને તે જ ‘ઈષ્ટ ઉપદેશ’ નો સાર છે. આવા આત્માનો રંગ
લગાડીને તેનું ધ્યાન કરતાં પરમ આનંદરૂપ મોક્ષલક્ષ્મી તારા હાથમાં આવી જશે.
હું કોણ છું? ક્્યાંથી થયો? શું સ્વરૂપ છે મારૂં ખરૂં?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરૂં?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યા.