: ૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
યોગસારનું અપૂર્વ મંગળ
(સોનગઢમાં જેઠ વદ ત્રીજે ભાઈશ્રી ચીમનલાલ ઠાકરશી મોદીના નવા મકાનના
વાસ્તુપ્રસંગે યોગસાર ઉપર પ્રવચનોનો પ્રારંભ થયો.....તેના અપૂર્વ માંગળિકનું
ભાવભીનું પ્રવચન)
ઉપયોગને શુદ્ધાત્મામાં જોડવો તેનું નામ
યોગ; એવા શુદ્ધ ઉપયોગરૂપ ધ્યાનવડે જેઓ સિદ્ધપદ
પામ્યા તેમની પ્રતીત કરીને પોતે પણ તે માર્ગે જાય
છે,–એ સિદ્ધપદના માંગળિકનો અપૂર્વ ભાવ છે.
યોગીન્દ્રદેવ લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં વિચરતા મહાન
દિગંબર સન્ત હતા. તેમણે પરમાત્મપ્રકાશ જેવું મહા શાસ્ત્ર રચ્યું છે. આ યોગસાર પણ
તેમણે રચ્યું છે. તેના પ્રારંભમાં મંગલરૂપે સિદ્ધને નમસ્કાર કરે છે–
णिम्मल झाण पीरठ्ठिया कम्मकलंक डहेबि।
अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि।।१।।
નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદું તે જિનરાય.
આત્માના નિર્મળધ્યાનમાં સ્થિર થઈને જેમણે કર્મકલંકને નષ્ટ કર્યા અને પરમ
આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. આત્માના
ધ્યેયરૂપ સિદ્ધપદ, તે સિદ્ધ ભગવાન જેવું આત્મસ્વરૂપ, તેને પ્રતીતમાં લઈને ધ્યાનવડે
તેમાં ઉપયોગને જોડવો–તેનું નામ યોગ છે; ને તેનો આ ઉપદેશ છે. આવા યોગવડે જ
કર્મકલંકનો નાશ કરીને સિદ્ધપદ પમાય છે.
બધા આત્મા સ્વભાવસત્તાથી શુદ્ધ સિદ્ધ ભગવાન જેવા છે. આવા શુદ્ધ
આત્મસ્વરૂપમાં વિકારની સત્તા નથી. આવા શુદ્ધસ્વરૂપને ધ્યેયમાં લઈને ધ્યાવવું તે જ
કર્મના નાશનો ને સિદ્ધ થવાનો ઉપાય છે. આવા ઉપાય વડે સિદ્ધપદને સાધતાં સાધતાં
યોગીન્દુ મુનિરાજ આ શાસ્ત્ર રચે છે, ને મંગલાચરણમાં સિદ્ધને નમસ્કાર કરે છે.