Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 53

background image
: ૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
ભિન્ન કરીને અંતરના સિદ્ધસ્વરૂપ સાથે અભેદ કરું છું. તે અભેદપરિણતિમાં અનંતા
સિદ્ધો સમાય છે.
વાહ! જુઓ, આ સિદ્ધપદના માંગળિકનો અપૂર્વ ભાવ! બધું ભૂલીને સિદ્ધને
યાદ કરીએ છીએ.....સિદ્ધપદ જ અમારા જ્ઞાનમાં તરવરે છે....એ જ આદરણીય છે ને
જગતમાં રાગાદિ બીજું કાંઈ મારે આદરણીય નથી. આમ રુચિને મારા શુદ્ધઆત્મા તરફ
વાળીને હે સિદ્ધભગવંતો! હું મારા આત્મામાં આપને સ્થાપું છું. મારા આત્માના અસંખ્ય
પ્રદેશમાં હું શ્રદ્ધા–જ્ઞાનના બંગલા બાંધું છું તેમાં આવીને હે સિદ્ધ પ્રભુ! આપ વસો!
મારા જ્ઞાનમાં રાગને હું નથી વસાવતો હું તો સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપને જ મારા જ્ઞાનમાં
વસાવું છું; સિદ્ધસમાન સ્વશક્તિનો ભરોસો કરીને હું સિદ્ધોનો આદર કરું છું. આવો
ભાવ પ્રગટ કરવો તે અપૂર્વ વાસ્તુ ને અપૂર્વ માંગલિક છે.
सिध्ध समान सदा पद मेरो એવા આત્મસ્વરૂપને સમ્યગ્જ્ઞાન–કળા વડે જાણતાં
વેગપૂર્વક શિવમાર્ગ સધાય છે, ને શરમજનક એવા જન્મમરણ છૂટી જાય છે. ત્રણ
લોકનો નાથ આ ચૈતન્યપરમેશ્વર તેને આ ચામડાના કોથળામાં (શરીરમાં) પૂરાવું તે
શરમ છે. અશરીરી થવા અશરીરી સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ, ને જે
શુદ્ધઆત્મધ્યાનવડે તેઓ સિદ્ધ થયા તેવા શુદ્ધઆત્માનો આદર કરીને તેમને ધ્યાવીએ
છીએ. એમ પ્રથમ ગાથામાં સિદ્ધોને વંદનરૂપ મંગળ કર્યું.
બીજી ગાથામાં અરિહંતોને વંદનરૂપ મંગળ કરે છે–
घाइ चउक्कह किउ विलउ अणंत चउक्क पदिठ्ठु।
तहिंं जिणइंदहं पय णविवि अक्खमि कव्वु सुइठ्ठु।।२।।
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંત ચતુષ્ટ,
તે જિનવર ચરણે નમી, કહું કાવ્ય સુઈષ્ટ.
પોતાના શુદ્ધઆત્મામાં ઉપયોગને જોડીને, તે શુદ્ધોપયોગના બળે જેમણે ચાર
ઘાતી કર્મોનો ક્ષય કર્યો ને કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટ કર્યા એવા અરિહંત પરમાત્માના
ચરણોમાં વંદીને આ ઈષ્ટ–કાવ્ય (યોગસાર–દોહા) રચું છું.
કેવળજ્ઞાનાદિ સહિત અરિહંત પરમાત્મા અત્યારે વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ બિરાજે
છે. સીમંધરાદિ ૨૦ તીર્થંકરો તથા બીજા લાખો કેવળી ભગવંતો–તે બધા અરિહંત
ભગવંતોને પોતાના જ્ઞાનમાં જેણે સ્વીકાર્યા તેને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ
કુંદકુંદાચાર્યદેવ કહે છે કે–