: અધિક શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૧ :
વીતરાગી સન્તો કહે છે – હે મોક્ષાર્થી!
મોક્ષને માટે તારા શુદ્ધ – બુદ્ધ આત્માને ધ્યાવ
[યોગસાર–પ્રવચનોમાંથી]
સંસાર તરફના ભાવોથી જે થાકેલો છે ને આત્માના પરમ
આનંદને અનુભવવા આવ્યો છે–એવા મોક્ષાર્થી જીવે શું કરવું! તે
અહીં બતાવ્યું છે; અને સરલ શૈલિથી માર્ગ દર્શાવીને શુદ્ધાત્માના
ધ્યાનમાં મુમુક્ષુને પ્રોત્સાહિત કર્યો છે.
આત્માના પૂર્ણ આનંદના લાભને જો તું ચાહતો હો તો હે જીવ! અનુદિન તું
તારા શુદ્ધ આત્માને ભાવ, એમ કહે છે–
सुद्ध सचेयणु बुद्धु जिणु केवल णाणसहाउ ।
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु शिवलाहु ।।२६।।
શુદ્ધ સચેતન બુધ જિન કેવળ જ્ઞાનસ્વભાવ,
તે આત્મા જાણો સદા જો ચાહો શિવલાભ. (૨૬)
હે મોક્ષના અભિલાષી! તારે પ્રતિદિન કરવા જેવું કામ આ છે કે શુદ્ધ
ચૈતન્યસ્વરૂપે પૂર્ણ આનંદના સાગર એવા નિજાત્માને જાણીને તેને અનુભવમાં લે.
અંતરમાં વારંવાર ઉપયોગનો પ્રયોગ કરીને તું શુદ્ધ આત્માની સન્મુખ થા ને
જ્ઞાનચેતનાને આનંદસહિત વેદનમાં લે. આ સિવાય બીજા ભાવોની ભાવના ન કર.
તું તો સચેતન જાગૃતસ્વરૂપ છો; તેમાં રાગને કરવાનું કે વેદવાનું ન આવે.
રાગને કરવું ને વેદવું એ તો સંસાર છે; અહીં તો સંસારથી જે ભયભીત છે, સંસાર
તરફના ભાવોથી જે થાકેલો છે, ને આત્માના પરમ આનંદને અનુભવવા આવ્યો છે–
એવા જીવની વાત છે. એવા જીવે શું કરવું? કે આત્માને ધ્યાવવો.
–કેવા આત્માને ધ્યાવવો?