Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 58

background image
: ૧૬ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
પ્રીતિકર મુનિરાજ પરમ અનુગ્રહપૂર્વક વજ્રજંઘના આત્માને સમ્યગ્દર્શન
અંગીકાર કરાવતાં કહે છે કે હે આર્ય! તું હમણાં જ સમ્યગ્દર્શનને ગ્રહણ કર...
તારો સમ્યકત્વના લાભનો કાળ છે.
[तद्गृहाणाद्य सम्यक्त्वं तल्लाभे काल एष ते]
દેશનાલબ્ધિ વગેરે બહિરંગકારણ અને કરણલબ્ધિરૂપ અંતરંગકારણવડે ભવ્યજીવ
દર્શનવિશુદ્ધિ પામે છે. જેમ સૂર્યનો ઉદય થતાં રાત્રીસંબંધી અંધકાર દૂર થઈ જાય છે તેમ
સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉદય થતાં મિથ્યાત્વ–અંધકાર નષ્ટ થઈ જાય છે. આ સમ્યગ્દર્શન
જ સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્રનું મૂળ કારણ છે, એના વિના તે બંને હોતાં નથી.
સર્વજ્ઞે કહેલાં જીવાદિ સાત તત્ત્વોનું, ત્રણ મૂઢતા રહિત તથા આઠઅંગ સહિત યથાર્થ
શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. નિઃશંકતા, વાત્સલ્ય વગેરે આઠ અંગરૂપી કિરણોથી
સમ્યગ્દર્શનરૂપી રત્ન બહુ જ શોભે છે. હે ભવ્ય! તું આ શ્રેષ્ઠ જૈનમાર્ગને જાણીને,
માર્ગસંબંધી શંકાને છોડ, ભોગોની આકાંક્ષા દૂર કર, વસ્તુધર્મ પ્રત્યેની ગ્લાની છોડીને
અમૂઢદ્રષ્ટિ (–વિવેકદ્રષ્ટિ) પ્રગટ કર; ધર્માત્માસંબંધી દોષના સ્થાન છૂપાવીને
સત્યધર્મની વૃદ્ધિ કર, માર્ગથી વિચલિત થતા આત્માને ધર્મમાં સ્થિર કર, રત્નત્રયધર્મમાં
અને રત્નત્રયધારક ધર્માત્માઓમાં અતિશય પ્રીતિરૂપ વાત્સલ્ય કર અને તારી
શક્તિઅનુસાર જૈનશાસનની પ્રભાવના કર.–આ પ્રમાણે નિઃશંકતા આદિ આઠે અંગોથી
સુશોભિત એવા વિશુદ્ધ સમ્યક્ત્વને તું ધારણ કર.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને તેનો પરમ મહિમા સમજાવીને, તે સમ્યગ્દર્શન પ્રગટ
કરવાની વારંવાર પ્રેરણા કરતાં શ્રી પ્રીતિંકરમુનિરાજ કહે છે કે: હે આર્ય! જીવાદિ
પદાર્થોના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન કરનારા આ સમ્યગ્દર્શનને જ તું ધર્મનું સર્વસ્વ સમજ.
આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં, જગતમાં એવું કોઈ સુખ નથી કે જે જીવને પ્રાપ્ત ન થાય,–
એટલે કે સર્વસુખનું કારણ સમ્યગ્દર્શન છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ જન્મ પામ્યો
છે...તે જ કૃતાર્થ છે...અને તે જ પંડિત છે...કે જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે.
હે ભવ્ય! ચોક્કસપણે તું આ સમ્યગ્દર્શનને જ સિદ્ધિપ્રસાદનું પ્રથમ સોપાન જાણ,
મોક્ષમહેલનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જ છે, તે જ દુર્ગતિના દરવાજાને રોકનાર
મજબુત કમાડ છે, તે જ ધર્મના ઝાડનું સ્થિર મૂળિયું છે, તે જ સ્વર્ગ અને મોક્ષના ઘરનો
દરવાજો છે, અને તે જ શીલરૂપી હારની વચમાં લાગેલું શ્રેષ્ઠ રત્ન છે. આ સમ્યગ્દર્શન
જીવને અલંકૃત કરનારું છે, દેદીપ્યમાન છે, સારભૂત રત્ન છે અર્થાત્ રત્નોમાં શ્રેષ્ઠ છે,
સૌથી ઉત્કૃષ્ટ છે, અને મુક્તિશ્રીને વરવા માટેની તે વરમાળ છે.–