: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
એ બે પદાર્થ મનુષ્યોને પ્રીતિનું કારણ છે, પરંતુ તેમાં ભાઈ તો આ લોકમાં જ પ્રીતિ
ઉપજાવે છે અને ગુરુ તો આ લોક તેમજ પરલોક બંનેમાં પ્રીતિ ઉપજાવે છે. જ્યારે
ગુરુના ઉપદેશથી જ અમને આ પ્રકારની સમ્યગ્દર્શનાદિની વિશુદ્ધિ પ્રાપ્ત થઈ છે
ત્યારે અમારી ભાવના છે કે જન્માંતરોમાં પણ ગુરુદેવના ચરણોમાં અમારી ભક્તિ
બની રહે.–આ પ્રમાણે ગુરુના ઉપકાર વગેરેનું ચિંતન કરતાં કરતાં વજ્રજંઘની
સમ્યક્ત્વભાવના અત્યંત દ્રઢ થઈ ગઈ, આ જ ભાવના આગળ જતાં તેને
કલ્પલતાસમાન સમસ્ત ઈષ્ટફળ દેનારી થશે. વજ્રજંઘની માફક શ્રીમતીના જીવે પણ
ઉપર મુજબ ચિંતન કર્યું હતું તેથી તેની સમ્યક્ત્વ–ભાવના પણ સુદ્રઢ થઈ ગઈ હતી. એ
પતિ–પત્ની બંનેનો સ્વભાવ એકસરખો હતો; પ્રીતિંકર મુનિરાજના ઉપદેશથી સમ્યક્ત્વ
પામીને તે બંનેએ ભોગભૂમિનું બાકીનું આયુષ્ય સુખપૂર્વક પૂરું કર્યું, અને આયુષ્ય પૂર્ણ
થતાં પ્રાણ છોડીને તેઓ બંને ઈશાન સ્વર્ગમાં ઉત્પન્ન થયા.
*
આ રીતે ઋષભદેવના પૂર્વના ચાર ભવ પૂરા થયા–
(૧) મહાબલ રાજાનો ભવ (જ્યાં મંત્રીના ઉપદેશથી જૈનધર્મનો પ્રેમ જાગ્યો.)
(૨) ઈશાનસ્વર્ગમાં લલિતાંગદેવ (જ્યાં સ્વયંપ્રભા દેવી પ્રાપ્ત થઈ)
(૩) વજ્રજંઘરાજાનો ભવ (જેમાં શ્રીમતી સાથે મુનિઓને આહારદાન દીધું.)
(૪) ભોગભૂમિનો ભવ (જ્યાં મુનિવરોના ઉપદેશથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું.
(પ) હવે આવશે ઈશાન સ્વર્ગમાં–શ્રીધરદેવનો ભવ.
આત્માની મહત્તા
આ જગતમાં આત્મા અને જડ બધાય પદાર્થો અનાદિઅનંત છે, અને
દરેક પદાર્થમાં ક્ષણે ક્ષણે પોતપોતાની અવસ્થાનું રૂપાંતર થાય છે, તે તેના
સ્વભાવથી જ થાય છે. જડમાં પણ ક્ષણે ક્ષણે હાલત પલટાય એવી તેના
સ્વભાવની તાકાત છે, જીવને લઈને તેનું કાર્ય થાય–એમ બનતું નથી. પરંતુ
અજ્ઞાની સ્વ–પરની ભિન્નતાને ભૂલીને પરનાં કાર્ય હું કરું એવું અભિમાન કરે છે.
પણ ભાઈ! એમાં તારી મહત્તા નથી, તું તો જ્ઞાનસ્વભાવ છો.–તે સ્વભાવની
મહત્તાને લક્ષમાં તો લે. પરનાં કાર્યોથી તારી મહત્તા નથી પણ ચૈતન્યસ્વરૂપથી
તારી મહત્તા છે. તારા ચૈતન્યસ્વરૂપની મહત્તાને લક્ષમાં લીધા વગર પોતાને તુચ્છ
માનીને તું સંસારમાં રખડયો. હવે તારા ચૈતન્યની પ્રભુતાને જાણ ને પરના
કર્તાપણાનું અભિમાન છોડ તો તારા ભવભ્રમણનો અંત આવે.