Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 58

background image
: ૨૬ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
થોડા છે. માટે હે ભાઈ! તત્ત્વની આવી વિરલતા જાણીને તું અત્યંત ઉદ્યમપૂર્વક તેને
જાણ, ને અનુભવમાં લે. આ અનુભવનો અવસર આવ્યો છે. અરે, આવો મોંઘો અવસર
મળ્‌યો તેમાં સૂક્ષ્મદ્રષ્ટિથી તું તારા આત્માને સાધ. બીજી રાગની કથા છોડીને, રાગનો
પ્રેમ છોડીને, શુદ્ધચૈતન્યની કથા પ્રેમથી સાંભળ, તેની પ્રીતિ કર, ને તેને અનુભવમાં લે.
રાગથી જે લાભ થવાનું માને તેને રાગથી ભિન્ન શુદ્ધતત્ત્વનો પ્રેમ નહિ જાગે, ને
તેની વાત સાંભળવી પણ તેને નહિ ગોઠે. શુદ્ધઆત્માની રુચિ વગર બીજા જાણપણામાં
ઘણા રોકાઈ રહે છે, ભાઈ, તારા બહારના જાણપણા, કે ક્રિયાકાંડ તે બધું શુદ્ધાત્માની
રુચિ–જ્ઞાન–અનુભવ વગર નિષ્ફળ છે. મને મારો શુદ્ધ આત્મા કેમ અનુભવમાં આવે;
એ સિવાય બીજુ કાંઈ પ્રયોજન મારે નથી–એમ અંતરમાં શુદ્ધાત્માની લગની લગાડીને
તેનો નિર્વિકલ્પ અનુભવ કરનારા જીવો આ જગતમાં બહુ વિરલા–વિરલા છે. એવા
જ્ઞાની ધર્માત્માને ધન્ય કહ્યા છે. મોક્ષની સીધી સડકે તે ચાલ્યા જાય છે.
અરે જીવ! આ ભયાનક સંસારમાં ભમતા આત્મજ્ઞાનરૂપી મહા રત્ન તેં કદી
પ્રાપ્ત કર્યું નથી; વિષયોના સ્વાદમાં મોહ્યો ને આત્માના આનંદના સ્વાદને ભૂલ્યો. ભાઈ,
એ વિષયોના સ્વાદનો પ્રેમ છોડીને, અતીન્દ્રિય આનંદથી ભરેલા આત્માનો પ્રેમ કર
અને તેના સ્વાનુભવ વડે સમ્યગ્દર્શનરૂપી મહાન રત્નને પ્રાપ્ત કર. સમ્યગ્દર્શન–રત્નને
પ્રાપ્ત કરીને પણ તેના ઉદ્યમમાં જાગૃત રહે. પોતાના અતીન્દ્રિયસુખનો સાધક સમકિતી
ગૃહસ્થાવાસમાં પણ કુટુંબાદિથી અલિપ્ત જલકમળવત્ રહે છે, અંદરની ચૈતન્યપરિણતિ
રાગથી અલિપ્ત છે. ઘરમાં રહ્યા છતાં કુટુંબાદિમાં કે દેહમાં ક્્યાંય રંચમાત્ર સુખ ભાસતું
નથી; પોતાના અતીન્દ્રિય ચૈતન્યસુખમાં જ તે આસક્ત છે. આવું ચૈતન્યસુખ, તેની
વાતનું શ્રવણ–રુચિ ને અનુભવ કરનાર જીવો વિરલ છે. તું એ કર્તવ્ય કરીને વિરલમાં
ભળી જા.
પ્રૌઢ જૈન શિક્ષણવર્ગ (ભાઈઓ માટે)
સોનગઢમાં દર વર્ષની માફક પ્રૌઢવયના ભાઈઓ માટેનો જૈન
શિક્ષણવર્ગ દ્વિતીય શ્રાવણ સુદ છઠ્ઠ ને રવિવાર તા. ૨૧–૮–૬૬ થી શરૂ થશે,
અને શ્રાવણ વદ નોમ ને શુક્રવાર તા. ૯–૯–૬૬ સુધી ચાલશે. વર્ગમાં આવવા
ઈચ્છતા જિજ્ઞાસુ ભાઈઓએ નીચેના સરનામે સૂચના મોકલી દેવી–
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)