: ૨૮ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
આ આત્મવીરની સામે જોયા વગર કર્મપણું છોડી તમે તમારા જડ–પ્રદેશમાં પુદ્ગલપણે
રહો, ને આ આત્મવીર સ્વાધીન નિજશક્તિને સંભાળતો થકો પોતાના સિદ્ધપદરૂપ
સામ્રાજ્યને ભોગવશે.
આત્મવીરની આ વાત સાંભળીને કર્મરાજ સમજી ગયા કે આ આત્મવીરની
પાસે મારી કાંઈ બહાદુરી નહિ ચાલે; એટલે તે સમજી ગયા, ને જીવ સાથેનો વિરોધભાવ
(કર્મપણું) છોડીને પોતાનાં પુદ્ગલપ્રદેશમાં સમાઈ ગયા...ને આત્મવીર પોતાના
સિદ્ધાલયમાં જઈને બિરાજ્યા. અત્યારે પણ તેઓ આનંદથી ત્યાં બિરાજે છે ને
આપણનેય બોલાવે છે કે હે મારા જાતી–બંધુઓ! કર્મથી ડર્યા વગર તમે તમારા
સ્વભાવસામર્થ્યને સંભાળીને મારી પાસે ચાલ્યા આવો.
શ્રી પ્રોફેસર સાહેબનો પ્રશ્ન
અમારા સભ્ય નં. ૧૬ અમદાવાદથી પૂછે છે:–
“સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહિ મળે; હવે અંતરમાં
ઉતરવા માટે પ્રયત્ન કરવા જતાં અંતરમાં રહેવાતું નથી અને મન બહાર
આવતું રહે છે; જ્યાં સુધી અંતરમાં રહેવાય નહિ ત્યાં સુધી સુખનો અનુભવ
થાય નહિ; તો અંતરમાં રહેવા માટે મારે શું કરવું?–કે જેથી જ્ઞાનીઓએ જેવો
અનુભવ કર્યો છે તેવો અનુભવ મને થાય? તેનો ખુલાસો કોઈ અનુભવી
જ્ઞાની પુરુષ પાસેથી મેળવીને બાલવિભાગમાં આપશો.”
ભાઈશ્રી, અનુભવી જ્ઞાનીઓ કહે છે કે, જેને જે વસ્તુની ખરેખરી
લગની લાગે તેના પરિણામ તે વસ્તુમાં લાગ્યા વગર રહે નહિ. બીજે તો
પરિણામ સહેલાઈથી લાગે છે ને આત્મામાં પરિણામ લાગતા નથી તો આપણે
સમજી લેવું જોઈએ કે આત્માના સ્વભાવનો જે ઉત્કૃષ્ટ પ્રેમ–રસ–મહિમા
આવવો જોઈએ ને જે લગની લાગવી જોઈએ તેમાં અધૂરાશ છે. છતાં
જિજ્ઞાસુએ નીરાશા સેવ્યા વગર, ઉલ્લસિત ભાવે, આત્માની લગની પુષ્ટ કરી
કરીને, તેમાં ઉપયોગ વાળવાનો વારંવાર દ્રઢ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ.
એના અંતિમ ફળરૂપે, જ્ઞાનીઓએ જેવો અનુભવ કર્યો છે તેવો અનુભવ
આપણને પણ જરૂર થશે.