: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
સ્વરૂપને પ્રતીતમાં લઈને તેને જ ચિંતનમાં લે. ‘હું સર્વજ્ઞસ્વભાવથી ભરપૂર ભગવાન છું’
એવા અનુભવના જોરે વીરના પંથે મોક્ષમાર્ગને સાધવા નીકળ્યો તે સાધક અફરગામી છે.
તે પાછો નહિ ફરે; અપ્રતિહતભાવે તે મોક્ષને સાધશે.
હું પરમાત્મા છું એવા સ્વભાવનો જે નકાર કરે છે ને રાગાદિ ભાવોરૂપે જ
આત્માને અનુભવે છે–તે જીવ સ્વભાવસત્તાનો અનાદર કરીને નાસ્તિક થઈ જશે. અને
રાગથી પાર મારી ચૈતન્યસત્તામાં પરમાત્મપણું ભરેલું છે એવા સ્વભાવને અનુભવનાર
જ્ઞાની રાગને તોડીને અતીન્દ્રિય પરમાત્મા થશે, બીજા જીવો ઈન્દ્રિયો વડે જેનું અસ્તિત્વ
જાણી ન શકે એવા સિદ્ધપદને તે પામશે.
વિકલ્પની જાતનો હું નહિ, હું તો સિદ્ધપરમાત્માની જાતનો છું એમ પોતાના
આત્મને સિદ્ધસ્વરૂપે ધ્યાવતાં સાધકના અંતરમાં પરમ આનંદરૂપી દૂધની ધારા છૂટે છે.
શબ્દોથી પાર ને મનના વિકલ્પોથી પાર અતીન્દ્રિયઆનંદસ્વરૂપ આત્મા તે સ્વાનુભવનો જ
વિષય છે. અરે, પરમ અચિંત્ય એનો મહિમા, તું અંતરમાં નજર કરીને, અંતરમાં ઉપયોગ
મુકીને એને જોવાનો પ્રયત્ન કર. અંતરમાં જેને જોતાં તું ન્યાલ થઈ જઈશ એવું તારું
સ્વરૂપ છે.
જિનેન્દ્રદેવ જેવા તારા સ્વરૂપને લક્ષમાં લઈને ક્ષણે ક્ષણે તું એને ચિંતવ; એને
ચિન્તવતાં આનંદનો ઉત્પાદ થશે ને વિકલ્પોનો કોલાહલ શમી જશે. વિકલ્પોના કોલાહલ
વગરનું આત્મસ્વરૂપ છે, તે વિકલ્પ વડે કેમ અનુભવાય? વિકલ્પોથી તે પાર છે. આત્માની
શ્રદ્ધા–જ્ઞાન–આનંદ તે બધાય અતીન્દ્રિય છે, મનના વિકલ્પોથી પાર છે. આવા સ્વભાવને
સાધવા માટે જે જીવ જાગ્યો તે સાધકની રુચિના રણકાર કોઈ જુદી જ જાતના હોય છે.
આ...ત્મ...ધ...ર્મ
• આત્માર્થીતાને પોષણ મળે એવું ઉચ્ચ સાહિત્ય વાંચવાની આપને જિજ્ઞાસા હોય,
• સન્તોનાં શાન્તરસઝરતા વચનામૃતનું પાન કરવાની આપને ભાવના હોય,
• આપનાં બાળકોને ને પરિવારને અધ્યાત્મના ઉચ્ચ સંસ્કારોનું સીંચન કરવા આપ
ચાહતા હો, તો આપના ઘરમાં “આત્મધર્મ” મંગાવો.
* આત્મધર્મ એ ભારતનું સર્વશ્રેષ્ઠ અધ્યાત્મ–માસિક છે.
* અનેક ચિત્રોથી સુશોભિત લગભગ એકહજાર પાનાની શ્રેષ્ઠ વાંચનસામગ્રી દર વર્ષે
આપે છે. વાર્ષિક લવાજમ ચાર રૂપિયા (નમુનો ફ્રી)
પ્રાપ્તિસ્થાન: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)