: ૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
પર્યુષણ પર્વ દસલક્ષણ ધર્મ
આત્માના ધર્મની પરિ–ઉપાસના, સર્વ પ્રકારે ઉપાસના કરવી, એટલે કે
રત્નત્રયધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરવી, એનું નામ પર્યુષણ–પર્વ, આરાધના નિજાત્માના
જ આશ્રયે છે, એટલે કોઈ અમુક કાળે કે અમુક દિવસે જ આરાધના થાય ને પછી ન
થાય એવું નથી. જ્યારે અને જ્યાં જે જીવ સ્વદ્રવ્યનો જેટલો આશ્રય કરે છે ત્યારે અને
ત્યાં તે જીવને તેટલી ધર્મની ઉપાસના થાય છે. હવે આપણા શાસનમાં જે વિશિષ્ટ
પર્વના દિવસો છે તે આવા રત્નત્રયધર્મની ઉપાસના માટે વિશેષ જાગૃતિ–વિશેષ પ્રેરણા
ને વિશેષ ભાવના થાય, તથા વિશેષ પ્રકારે ધર્મપ્રભાવના થાય, તે હેતુથી છે. આપણા
પવિત્ર પર્વોની પાછળ રહેલો ધર્મની આરાધનાનો આ ઉદ્દેશ આપણે ભૂલવો ન જોઈએ,
અને જીવનમાં સદાય ધર્મની આરાધના કેમ થાય–તેમાં પુષ્ટિ ને વૃદ્ધિ કેમ થાય–તે માટે
સતત જાગૃત ને ઉદ્યમશીલ રહેવું જોઈએ. જે જીવો ધર્મની આરાધનારૂપે પરિણમ્યા છે
તેમના આત્મામાં તો સદાય ધર્મનું પર્વ છે, એને સદાય પર્યુષણ છે. એવા ધર્માત્માના
દર્શન ને સત્સંગ જિજ્ઞાસુને ધર્મઆરાધનાની મંગલ પ્રેરણા આપી રહ્યા છે.
પર્યુષણપર્વના દિવસો ભાદરવા માસમાં નજીક આવી રહ્યા છે,–ત્યાર પહેલાં જ
આત્માને આરાધનાવડે તૈયાર કરીને એવો પર્યુષણામય કરી દઈએ કે, ભાદરવો માસ
વીતી જાય તોપણ આત્મામાં ‘પર્યુષણા’ ચાલુ જ રહે, આત્મામાં ધર્મની ઉપાસના સદાય
વર્ત્યા જ કરે.
પાઠકો અને બાળકો! પર્યુષણ દરમિયાન અને ત્યાર પહેલાં અત્યારથી જ ‘રાત્રિ
ભોજન ત્યાગ’નો નિર્ણય કરો. રાત્રિભોજન એ મોટો દોષ છે. તેનો ત્યાગ કરો.