Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 57

background image
: ૧૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
બાહ્યમાંથી ઉપયોગને સમેટીને અંતરમાં ઉપયોગને લગાવ! અંતરમાં ઉપયોગ જોડતા જ
ધ્યાનમાં સ્ફૂટપણે સ્પષ્ટપણે પ્રગટપણે અનંત ગુણોની નિર્મળતાનો અનુભવ થાય છે, મોક્ષમાર્ગ
તેમાં સમાઈ જાય છે. અહા, અનંતગુણનો અનુભવ તેના અતીન્દ્રિય આનંદની શી વાત!
સમ્યગ્દર્શન થતાં આવી દશા થઈ જાય છે. સમ્યગ્દર્શનની ગંભીરતાની લોકોને
ખબર નથી. જ્યાં અનંતગુણોનો દરિયો એકસાથે નિર્મળપણે ઉલ્લસ્યો છે, ને જેમાં કોઈ
વિકલ્પના પ્રવેશનો અવકાશ નથી, એવી અનુભૂતિ સમ્યગ્દ્રષ્ટિને થાય છે.
ભાઈ, એકવાર તારી દ્રષ્ટિને રાગ ઉપરથી ઊઠાડીને તારા અનંતગુણના પિંડ ઉપર
દ્રષ્ટિ મુક. કેવળીભગવાને જે અનંતગુણો જોયા છે તે બધાય ગુણો તારામાં ભર્યા છે,
સિદ્ધભગવંતોને જેટલા પવિત્ર ગુણો પ્રગટ્યા છે તે બધાય ગુણો તારા આત્મામાં વિદ્યમાન
છે. તેનો પરમ પ્રેમ કરીને પ્રગટ અનુભવ કર. તેના અનુભવથી આત્મામાં આનંદના અમૃત
વરસશે. વાહ! આત્માના અનંતગુણ બતાવીને સંતોએ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે.
જ્યાં ચેતન ત્યાં અનંતગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આતમા, નિર્મળ કરો સપ્રેમ રે......ચેતન્યપ્રભુ......
ચૈતન્યસંપદા રે તારા ધામમાં....
અમૃત વરસ્યા રે પંચમકાળમાં......
ચૈતન્યનો પરમ પ્રેમ પ્રગટ કરતા પરમ સમભાવરૂપ સામાયિક થાય છે,
પરભાવોના પરિત્યાગરૂપ પ્રતિક્રમણ થાય છે; સમસ્ત દોષનો છેદ થઈને નિર્મળતા પ્રગટે
છે. આ રીતે અંતરસ્વરૂપની અનુભૂતિમાં સર્વે ગુણો પ્રગટ થાય છે. અહા, અનુભૂતિમાં
શું બાકી રહે છે! આખો આત્મા પોતાની સમસ્ત સંપદાસહિત અનુભૂતિમાં સમાઈ જાય
છે. આવી અનુભૂતિ કરે ત્યારે જ કેવળી ભગવાનની પરમાર્થ સ્તુતિ થાય છે; ત્યારે જ
જ્ઞાનીની ખરી ઓળખાણ થાય છે.
ભગવાન કહે છે કે, ભાઈ! રાગથી ભિન્ન થઈને અનંતગુણવાળા તારા આત્માનો
અનુભવ કર તો અમારી સાચી સ્તુતિ તેં કરી. બાકી વિકલ્પના મહિમાંમાં અટકી જાય તો તે
સર્વજ્ઞની ખરી સ્તુતિ જાણતો નથી. સમસ્ત આરાધના શુદ્ધ ચૈતન્યની અનુભૂતિમાં જ સમાય
છે. ભગવાન એમ નથી કહેતા કે તું અમારી સામે જોયા કર ને વિકલ્પ કર્યા કર; ભગવાન
તો કહે છે કે તું તારી સામે જો કેમકે જેવા ગુણો અમારામાં છે એવા અનંતગુણો તારામાં છે.
આમ અંતર્મુખ સ્વભાવમાં નમવું તે જ સાચી ગુરુવંદના ને તે જ સાચી ગુરુભક્તિ છે.
અહા, આત્માના ગુણની મીઠી–મધુરી વાત સંતો સંભળાવે છે. અરે જીવ! પરમ
પ્રીતિથી તારા ગુણનું શ્રવણ કરીને તેને અનુભવમાં લે. પહેલાં તો તેનો એવો ઉલ્લાસ
પ્રગટાવ કે બીજા બધાનો ઉલ્લાસ છૂટી જાય.