Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૩ :
(દેવ–ગુરુ–શાસ્ત્રના શુભકાર્યોમાં) તો લક્ષ્મી નથી વાપરતો, પરંતુ તારા દેહ માટે
તો વાપર! એટલી તો મમતા ઘટાડ. એ રીતે પણ લક્ષ્મીની મમતા ઘટાડતાં શીખશે
તો ક્યારેક શુભ કાર્યોમાં પણ લોભ ઘટાડવાનો પ્રસંગ આવશે. અહીં તો ધર્મના
નિમિત્તો તરફના ઉલ્લાસભાવથી જે દાનાદિ થાય તેની જ મુખ્ય વાત છે. જેને ધર્મનું
લક્ષ નથી તે કંઈક મંદરાગ વડે દાનાદિ કરે તો સાધારણ પુણ્ય બાંધે, પણ અહીં તો
ધર્મના લક્ષ સહિતનાં પુણ્યની મુખ્યતા છે, એટલે અધિકારની શરૂઆતમાં જ
અરિહન્તદેવની ઓળખાણની વાત લીધી હતી. શાસ્ત્રમાં તો જ્યારે જે પ્રકરણ
ચાલતું હોય ત્યારે તેનું વિસ્તારથી વર્ણન કરે, બ્રહ્મચર્ય વખતે બ્રહ્મચર્યનું વર્ણન કરે,
ને દાન વખતે દાનનું વર્ણન કરે; મૂળભૂત સિદ્ધાંત લક્ષમાં રાખીને દરેક કથનના
ભાવ સમજવા જોઈએ.
લોકોમાં તો જેની પાસે ઘણું ધન હોય તેને લોકો ધનવાન કહે છે; પરંતુ
શાસ્ત્રકાર કહે છે કે જે લોભી છે એની પાસે ગમે તેટલું ધન પડ્યું હોય તો પણ તે
ધનવાન નથી પણ રંક છે, કેમકે જે ધન ઉદારતાપૂર્વક સત્કાર્યમાં વાપરવા માટે કામ ન
આવે, પોતાનાં હિતને માટે કામ ન આવે ને એકલા પાપબંધનું જ કારણ થાય એ ધન
શા કામનું? ને એવા ધનથી ધનવાનપણું કોણ માને? સાચો ધનવાન તો એ છે કે જે
ઉદારતાપૂર્વક પોતાની લક્ષ્મીને દાનમાં વાપરે છે. ભલે લક્ષ્મી થોડી હોય પણ જેનું હૃદય
ઉદાર છે તે ધનવાન છે. ને લક્ષ્મીના ઢગલા હોવા છતાં જેનું હૃદય ટુંકું છે–કંજુસ છે તે
દારિદ્રિ છે. એક કહેવત છે કે–
રણે ચડયા રજપૂત છૂપે નહિ.....
દાતા છૂપે નહિ ઘર માંગણ આયા...
જેમ યુદ્ધમાં ખાંડાના ખેલનો પ્રસંગ આવે ત્યાં રજપૂતની શૂરવીરતા છાની રહે
નહિ; એ ઘરના ખુણે સંતાઈને બેસી ન રહે, એનું શૌર્ય ઊછળી જાય, તેમ જ્યાં દાનનો
પ્રસંગ આવે ત્યાં ઉદારદિલના માણસનું હૃદય છાનું ન રહે; ધર્મના પ્રસંગમાં પ્રભાવના
વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું
ઉદારતાથી ઊછળી જાય; એ છટકવાના બહાનાં ન કાઢે, કે એને પરાણે પરાણે કહેવું ન
પડે, પણ પોતાના જ ઉત્સાહથી તે દાનાદિ કરે કે અહો! આવા ઉત્તમ કાર્યમાં જેટલું દાન
કરું તેટલું ઓછું છે. મારી જે લક્ષ્મી આવા કાર્યમાં વપરાય તે સફળ છે. આ રીતે શ્રાવક
દાનવડે પોતાનું ગૃહસ્થપણું શોભાવે છે.