Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 57

background image
: ૧૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
અહીં મુખ્યપણે મુનિને ઉદ્દેશીને કથન છે. પણ બધાએ પોતાની ભૂમિકા પ્રમાણે સમજવું.
એકાન્તમાં બેસીને આત્માના વિચાર કરવા પણ જે નવરો ન થાય ને ચોવીસે કલાક
બહારની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહે–તો તે આત્માનો અનુભવ કઈ રીતે કરશે?
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પણ બે ઘડી જગતથી જુદો પડી, અંતરમાં એકલા ચિદાનંદ
તત્ત્વને લક્ષગત કરી સ્વાનુભવનો પ્રયત્ન કરે, ત્યારે સમ્યગ્દર્શન થાય છે. લોકનો સંગ
ને મોટાઈ જેને રુચતા હોય, અસંગ ચૈતન્યને સાધવામાં તેના પરિણામ કઈ રીતે
વળશે? ભાઈ, લોકસંજ્ઞાએ આત્મા પમાય તેમ નથી. અને સમ્યગ્દર્શન પછી મુનિને પણ
જેટલો લોકસંસર્ગ થાય તેટલી મનની અસ્થિરતા થાય છે ને કેવળજ્ઞાનને રોકે છે.
સ્વભાવ તરફ વળવા માટે ને તેમાં લીન થવા માટે કહે છે કે લોકોના પરિચયથી મનની
વ્યગ્રતા થશે, માટે લોકસંગ છોડીને તારા સ્વરૂપમાં જ તું તત્પર થા. તારો ચૈતન્યલોક
તો તારામાં છે, તેનું અવલોકન કર.
અહો, ઊંડી ઊંડી આ ચૈતન્યનિધિ, તેને પ્રાપ્ત કરીને ધર્માત્મા એકલો એકલો
અંતરમાં ગુપ્તપણે તેને ભોગવે છે. ધર્માત્માના અંતરના અનુભવ બહારથી દેખાય નહિ.
અરે, જગતના લોકોને દેખાડવાનું શું કામ છે? ધર્માત્માનો અંદરનો અલૌકિક અનુભવ
અંદરમાં જ સમાય છે. નિયમસારમાં કહે છે કે–જેમ કોઈ માણસ નિધિને પામીને
પોતાના વતનમાં રહી તેના ફળને ભોગવે છે તેમ જ્ઞાની પરજનોના સમૂહને છોડીને
જ્ઞાનનિધિને ભોગવે છે. લોકોમાં કોઈને નિધાન મળે તો અત્યંત ગુપ્તપણે રહીને તેને
ભોગવે છે જેથી કોઈ લઈ ન જાય. તેમ ગુરુપ્રસાદથી પોતાના સહજ જ્ઞાનનિધાનને
પામીને જ્ઞાની, સ્વરૂપના અજાણ એવા પરજનોના સમૂહને ધ્યાનમાં વિઘ્નનું કારણ
સમજીને છોડે છે. એ રીતે જ્ઞાનની રક્ષા કરે છે ને સ્વઘરમાં ગુપ્તપણે રહીને ધ્યાનગૂફામાં
બેઠોબેઠો પોતે એકલો પોતાના આનંદનિધાનને ભોગવે છે.
સમયસારની ૪૯મી ગાથાની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે ‘અનંત જ્ઞાન–
દર્શન–સુખ–વીર્યસ્વરૂપ જે શુદ્ધાત્મા......તે દુર્લભ છે, તે અપૂર્વ છે ને તે જ ઉપાદેય છે
એમ સમજીને, શુદ્ધાત્માની નિર્વિકલ્પ સમાધિમાં ઉત્પન્ન થતા સુખામૃતરસની અનુભૂતિ
સ્વરૂપ.....ઊંડી ગિરિગૂફામાં બેસીને તેનું ધ્યાન કરવું.
[अनंत ज्ञानदर्शनसुखवीर्यश्च यः स एव शुद्धात्मा दुर्लभः स एवापूर्वः
सचैवोपादेय इति मत्वा, निर्विकल्प शुद्धात्मसमाधिसंजात
सुखामृतरसानुभूतिलक्षणे गिरि गुहागह्वरे स्थित्वा सर्बतात्पर्येण ध्यातव्य।]
બહારથી જંગલમાં જઈને બેસે ને અંદર હજી ચૈતન્યની અનુભૂતિ શું તે ઓળખે
પણ નહિ તો બહારની ગિરિગૂફામાંથી કાંઈ શાંતિ મલી જાય તેમ નથી. માટે કહે છે કે
ભાઈ, તારા અંતરમાં શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ જે ઊંડી ઊંડી ગિરિગૂફા–તેમાં જઈને
શુદ્ધાત્માનું ધ્યાન કર.