: ૨૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
રહ્યો છે. દુષ્કર્મોનું ફળ ભોગવવા માટે જીવોને નરક જ મુખ્યસ્થાન છે. જે જીવ
મિથ્યાત્વરૂપી વિષથી મૂર્છિત થઈને હિતકારી જૈનમાર્ગનો વિરોધ કરે છે તે દુર્ગતિરૂપી
મોજાથી ઊછળતા આ સંસારસમુદ્રમાં દીર્ઘ કાળ સુધી ઘૂમે છે. સમ્યગ્જ્ઞાનનો વિરોધી જીવ
અવશ્ય નરકરૂપી ઘોર અંધકારમાં પડે છે; માટે વિદ્વાન પુરુષોએ હંમેશા આપ્તપ્રણીત
સમ્યગ્જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. ધર્મના પ્રભાવથી આ આત્મા સ્વર્ગ–મોક્ષરૂપ
ઉંચા સ્થાનને પામે છે, ને અધર્મના પ્રભાવથી નરકાદિ અધોગતિને પામે છે; તથા
મિશ્રભાવથી મનુષ્યપણું પામે છે, એમ તું નિશ્ચયથી જાણ. તારા શતબુદ્ધિ–મંત્રીનો જીવ
મિથ્યાજ્ઞાનની દ્રઢતાને લીધે બીજી નરકમાં અત્યંત ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે.
પાપથી પરાજિત આત્મા ધર્મપ્રત્યે દ્વેષ અને અધર્મ પ્રત્યે પ્રેમ કરે છે. તેણે સ્વયં કરેલા
અનર્થનું આ ફળ છે. આ વાત નિર્વિવાદપણે પ્રસિદ્ધ છે કે ધર્મથી સુખ મળે છે ને
અધર્મથી દુઃખ મળે છે. માટે બુદ્ધિમાન જીવો અનર્થોને છોડીને ધર્મમાં તત્પર થાય છે.
પ્રાણીદયા, સત્ય, ક્ષમા, નિર્લોભતા, તૃષ્ણારહિતપણું, તથા જ્ઞાન–વૈરાગ્યસમ્પન્નપણું તે
ધર્મ છે; તેનાથી વિપરીત અધર્મ છે. જેમ હડકાયું કૂતરું કરડયું હોય તો સમય પાકતાં
તેના ઝેરની અસર દેખાય છે તેમ અધર્મસેવનથી કરેલા પાપકર્મ પણ સમય પાકતાં
નરકમાં ભારે દુઃખ દે છે. પાપકર્મનું ફળ બહુ કડવું છે. નરકમાં પડેલો જીવ ત્યાં એક
ક્ષણભર પણ દુઃખથી છૂટકારો પામતો નથી, એને એક ક્ષણ પણ શાન્તિ મળતી નથી.
શ્રીધરદેવ પ્રીતિંકર ભગવાનને પૂછે છે કે હે પ્રભો! નરકનાં દુઃખો કેવાં છે? ને
ત્યાં જીવ ક્્યા કારણથી ઊપજે છે?
ત્યારે પ્રિતિંકર ભગવાન દિવ્યધ્વનિ દ્વારા કહે છે કે–એ નરકનાં ઘોર દુઃખોનું વર્ણન
જો તું સાંભળવા ચાહતો હો તો ક્ષણભર મનને સ્થિર કરીને સાંભળ! જે જીવ હિંસા જૂઠું–
ચોરી–પરસ્ત્રીરમણ વગેરે પાપકાર્યોમાં તત્પર છે, જે દારૂ પીએ છે, જે મિથ્યામાર્ગને સેવે છે,
જે ક્રૂર છે. રૌદ્રધ્યાનમાં તત્પર છે, પ્રાણીઓ પ્રત્યે નિર્દય છે, અતિ આરંભ પરિગ્રહ રાખે છે,
જે સદા ધર્મપ્રત્યે દ્વેષ રાખે છે, અધર્મમાં પ્રેમ કરે છે, જે સાધુવર્ગની નિંદા કરે છે, જે
માત્સર્યભાવથી હણાયેલો છે, જે ધર્મસેવન કરનારા પરિગ્રહ–રહિત મુનિઓ પ્રત્યે વગર
કારણે ક્રોધ કરે છે. જે અતિશય પાપી છે, જે મધ–માંસ ખાવામાં તત્પર છે–એવા જીવો તીવ્ર
પાપના ભારથી નરકમાં પડે છે. નરક સાત છે; પહેલી રત્નપ્રભા, પછી શર્કરા પ્રભા,
વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને સાતમી મહાતમઃપ્રભા એ સાત
નરકભૂમિ છે. જે અનુક્રમે નીચે નીચે છે. અસંજ્ઞીપંચેન્દ્રિય જીવ પહેલી નરક સુધી જાય છે;
સરકનારા જીવો (ઘો વગેરે) બીજી પૃથ્વી સુધી, પક્ષી ત્રીજી સુધી, સર્પ ચોથી સુધી, સિંહ
પાંચમી સુધી, સ્ત્રી છઠ્ઠી સુધી ને તીવ્ર પાપી મનુષ્ય તથા મચ્છ સાતમી નરક સુધી જાય છે.
તે નરકમાં પાપી જીવો મધપૂડાની જેમ ઉપર લટકતા ખરાબ સ્થાનમાં ઊંધા મુખે ઊપજે
છે;–પાપી જીવોનું ઊર્ધ્વમુખ