શ્રાવણ સુદ પુર્ણિમા: વાત્સલ્યધર્મનું મહાન પર્વ
જેમ વૈરાગ્ય એ ધર્મપ્રેમી જિજ્ઞાસુનું એક આભૂષણ છે તેમ ધાર્મિક–વાત્સલ્ય એ
પણ ધર્મપ્રેમી જિજ્ઞાસુનું એક કિંમતી આભૂષણ છે. સંસારપ્રત્યે સહજ વૈરાગ્ય ને
સાધર્મીપ્રત્યે સહજ વાત્સલ્ય એ બંને આત્માર્થિતાના પોષક છે. મુમુક્ષુને ધર્મની
આરાધનાનો એટલો બધો પ્રેમ છે કે જ્યાં જ્યાં ધર્મની આરાધના જુએ છે ત્યાં ત્યાં તેનું
હૃદય વાત્સલ્યથી ઊછળી જાય છે કે વાહ! જે ધર્મને હું પ્રીતિપૂર્વક આરાધું છું તે જ
ધર્મને આ જીવો પણ પ્રેમથી આરાધી રહ્યા છે; એટલે તેને ધર્મની આરાધનામાં સર્વ
પ્રકારે પુષ્ટિ થાય, ને તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન હો એવી ભાવના પણ તેને હોય છે.
આનું નામ વાત્સલ્ય.
અહા, ગમે તેવી પરિસ્થિતિમાં પણ, જ્યાં સાધર્મીનું વાત્સલ્ય દેખે ત્યાં તે
વાત્સલ્યની મધુરતામાં જીવનનાં બધા દુઃખ ભૂલાઈ જાય છે ને તેને ધર્મની આરાધનાનો
ઉત્સાહ જાગે છે. પુરાણોમાં વાત્સલ્યનાં અનેક જવલંત ઉદાહરણ ઝળકી રહ્યાં છે.
મહામુનિ વિષ્ણુકુમારે ૭૦૦ મુનિવરોની જે વાત્સલ્યભાવેથી રક્ષા કરી. તે દિવસ
‘રક્ષાપર્વ’ તરીકે ભારતમાં પ્રસિદ્ધ બન્યો....જે આજેય આપણને ભાઈ–બહેનના
ઉદાહરણદ્વારા નિર્દોષ વાત્સલ્યનો મધુર સન્દેશ આપે છે.
રાવણના ઉપવનમાં અનેક દિવસથી અન્નના ત્યાગી સીતાજી જ્યારે હનુમાન
જેવા ધર્માત્માને દેખે છે ત્યારે તેને ધર્મનો ભાઈ માનીને અતિશય વાત્સલ્ય ઉભરાય
છે....જેમ વાછડાં પ્રત્યે વાત્સલ્ય ધરાવતી ગાય કાંઈ બદલાની આશા રાખતી નથી, તેમ
વાત્સલ્ય એ ધર્મીની સહજ વૃત્તિ છે, એમાં બદલો મેળવવાની આશા હોતી નથી.
સીતાજીના હરણપ્રસંગે જટાયુ જેવા ગીધ પક્ષીને પણ એ ધર્માત્મા પ્રત્યે એવું વાત્સલ્ય
ઊભરાયું કે રાવણની શક્તિની દરકાર કર્યા વિના એ ધર્માત્માની રક્ષા ખાતર પોતાનાં
પ્રાણ હોમી દીધા. ધર્માત્માઓને એકબીજા પ્રત્યે જે સહજ વાત્સલ્ય ઝરતું હોય છે તેના
અનેક મધુર પ્રસંગો આજેય નજરે જોવા મળે છે.....ને ત્યારે એમ થાય છે કે વાહ! આવું
ધર્મવાત્સલ્ય સર્વત્ર પ્રસરો.