Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 57

background image
: ૪૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
ખરી મિત્રતા
ઋષભચરિત્ર વાંચીને આપણા
ઉત્સાહી સભ્ય નં. પ૯૮
(રવીન્દ્ર જૈન–મોરબી) એ
વ્યક્ત કરેલી સુંદર ભાવના.
મુનિ મિત્ર થઈને આવો, કૃપા કરીને ધર્મ પમાડો........
તેમ સમ્યગ્દર્શનનાં ભેટણાં લઈ બાલવિભાગનાં ભાઈબંધો સૌ આવો

ભગવાન ઋષભદેવના છેલ્લા દશ અવતારની કથામાં ‘ભોગભૂમિમાં
સમ્યક્ત્વપ્રાપ્તિ’ એ લેખાંક બહુ જ ગમ્યો. મહામોંઘા મુનિરાજના દર્શન થતાં વજ્રજંઘના
નયનોમાંથી હર્ષના આંસુ નીકળી નીકળીને મુનિરાજના ચરણ ઉપર પડવા લાગ્યા’ એ
પ્રસંગ હૃદયના તાર ઝણઝણાવી મૂકે તેવો છે!
મુનિરાજ સમ્યક્ત્વ પમાડવા આવે–અહા! કેટલી પાત્રતા! કેવી પવિત્રતા! કેવો
પૂન્યનો એ પ્રકાર!! પૂર્વ ભવે ઋષભદેવનો આત્મા પરમમિત્ર હતો તેથી તેને
પ્રતિબોધવા માટે સાક્ષાત્ મુનિ પોતે વિદેહક્ષે્રત્રમાંથી ભોગભૂમિમાં પધારે છે. પૂર્વભવના
મિત્રને સમ્યક્ દર્શનના દાન દેવા દૂર દૂરના દેશાવરથી મુનિરાજ આવે છે! ‘મારો મિત્ર
ક્યાં છે? શું તેની સ્થિતિ છે?’ અવધિજ્ઞાનથી એ જાણીને, તથા મારો પૂર્વભવનો મિત્ર
હજી સમ્યક્ત્વ નથી પામ્યો માટે તેને સમ્યક્ત્વ પમાડું એમ મિત્રને મદદ કરવા મુનિ
પોતે આવે છે અને કહે છે ‘અમે તને સમ્યક્ત્વ પમાડવા માટે આવ્યા છીએ’ એ વાત
ઊંડું વિચારતાં હૃદયને વિરહની યાદ સાથે કોઈ નવી વાત કહી જાય છે.
સોનગઢમાં પણ સન્તો ઘણાં દૂર દૂરના દેશથી (વિદેહથી) આવ્યા છે, એ
ભરતક્ષેત્રમાં જીવોની પાત્રતા સૂચવે છે. ભરતક્ષેત્ર અને વિદેહક્ષેત્ર તો મિત્ર છે. અહીંથી
આપણા મુનિરાજ ત્યાં પધાર્યા હતા, તો હવે કોઈક વિદેહક્ષેત્રનાં મુનિરાજ અહીં
ભરતક્ષેત્રે પધારો ને!
બાલવિભાગના સમસ્ત પરિવાર સાથે હું અગત્યના કોલ કરવા ઈચ્છું છું. હું
સર્વને મારા પરમ મિત્ર બતાવું છું અને મિત્રતાની માગણી કરું છું કે જે કોઈ
મોક્ષમાર્ગની કેડીએ આગળ વધી જાય તે, બીજા બાલસભ્યોને અવશ્ય મદદ કરે.
પ્રીતિંકર મુનિરાજે તેના મિત્ર વજ્રજંઘને (સમ્યક્દર્શન પમાડવામાં) મદદ કરી હતી તેમ
જિનવરના સંતાનો એવા આપણે સૌએ મોક્ષનગરીમાં જતાં જતાં સાથે રહીને
એકબીજાને સહાય કરવી છે. કોઈ મિત્ર સંસારમાં ન રહી જવો જોઈએ.