Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 49

background image
: ભાદરવો : ૨૪૯૨ : આત્મધર્મ : ૯ :
જુદો પડી ગયો; વ્યવહારના ભેદનો આશ્રય છોડીને પરમાર્થસ્વભાવમાં પહોંચી ગયો;
ત્યાં પૂર્વે નહિ સમજેલું સમજ્યો, ને પૂર્વે નહિ સાંભળેલું સાંભળ્‌યું, વાચ્ય–વાચકભાવની
સંધિપૂર્વકનું આવું શ્રવણ પૂર્વે કદી કર્યું ન હતું. પહેલાં ‘વ્યવહારીજન’ હતો તે હવે
પરમાર્થને પામી ગયો. વચ્ચે આવેલ ભેદ–વ્યવહારમાં તે અટકી ન રહ્યો પણ તેના
પરમાર્થને સમજી ગયો.
આ રીતે પરમાર્થ સમજાવતાં વ્યવહારદ્વારા (ભેદદ્વારા) તેનું પ્રતિપાદન થતું
હોવાથી તે વ્યવહારનય સ્થાપન કરવાયોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી; પરમાર્થ
સ્વભાવને જ અનુસરવું યોગ્ય છે, ને વ્યવહારનું અનુસરણ છોડવા જેવું છે.
જુઓ, શિષ્ય પણ જ્યારે વ્યવહારનું અનુસરણ છોડીને, પરમાર્થસ્વભાવમાં
વળ્‌યો ત્યારે તેને આનંદસહિત સમ્યક્ જ્ઞાનતરંગ ઊછળ્‌યા. કહેનારા આચાર્ય પણ
વ્યવહારના વિકલ્પમાં રોકાતા નથી, ને શ્રોતા–શિષ્યજને પણ વ્યવહારના વિકલ્પમાં
રોકાવા જેવું નથી. અભેદમાં અંતર્મુખ થા.....તો ‘આત્મા’ સમજાય.
જુઓ, આ ગાથામાં ‘વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્્ય છે’ એમ કહ્યું
તેથી કાંઈ તે વ્યવહારના અવલંબનનો ઉપદેશ નથી, ઊલટું તે વ્યવહાર બતાવીને તેનું
અવલંબન છોડાવ્યું છે. જો ભાઈ! વચ્ચે ગુણગુણી ભેદનો આવો વ્યવહાર આવ્યા વિના
રહેતો નથી પણ તેના અવલંબનમાં તું ન અટકીશ, તે વ્યવહારનય અનુસરવાયોગ્ય
નથી. શિષ્ય પણ એવો છે કે ગુરુના–જ્ઞાનીના અંતરંગભાવને બરાબર સમજી લ્યે છે.
કથનમાં ભેદ આવતો હોવા છતાં જ્ઞાનીનો અંતરંગ અભિપ્રાય અંદરનો પરમાર્થ સ્વભાવ
બતાવવાનો છે. એવા અંતરંગ અભિપ્રાયને સમજીને શિષ્ય પોતે અંતર્મુખ થઈને
પરમાર્થ સ્વભાવને તરત સમજી જાય છે. પછી કરશું એમ કહીને છોડી દેતો નથી, પણ
એટલી પાત્રતા છે કે તરત જ સમજી જાય છે. પહેલાં ભેદથી લક્ષ હતું ત્યાં સુધી હજી
સમજેલો ન કહ્યો, પણ જ્યારે આનંદસહિત અંદર ભાવશ્રુતના સુંદર તરંગ ઊછળ્‌યા
ત્યારે તે શિષ્ય આત્માને સમજ્યો એમ કહ્યું.
ચૈતન્યનિધાન ખોલનાર, અપૂર્વ આત્મસ્વરૂપ સમજાવીને
મુમુક્ષુઅંતરમાં આનંદમય સુંદર બોધતરંગ ઉછાળનાર અપૂર્વ રત્નનિધિ એવા
સન્તોને નમસ્કાર હો.
આવતા અંકે આત્મધર્મના ચાલુવર્ષના બધા ગ્રાહકોનું લવાજમ પૂરું થાય છે. તો આગામીવર્ષનું
(સં. ૨૦૨૩નું) લવાજમ ત્રણ રૂપિયા નીચેના સરનામે વેલાસર મોકલી આપવા વિનંતિ:
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)